Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

નર્મદા ડેમના દરવાજાના પ્રશ્ને ગૃહમાં આક્ષેપોની રેલમછેલઃ ચર્ચાનો પડકાર

સરકાર વતી નીતિન પટેલ અને સામે કોંગીના ધાનાણી-પરમારની તડાફડી

ગાંધીનગર તા. ર૭: આજે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન નર્મદા ડેમના દરવાજા ખોલવા બાબતની થતી કોમેન્ટો અંગે રાજયના નાયબ મુખ્ય મંત્રીશ્રી નિતિનભાઇ પટેલે ભારે આક્રોશ પૂર્ણ રીતે વિરોધ પક્ષ પર પ્રહારો કર્યા હતા.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને શૈલેષ પરમારે કેન્દ્ર સરકારમાં જયારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે નર્મદાના દરવાજા અંગે ખૂબ ઝડપથી કામગીરી કરવામાં આવતી હતી પરંતુ તે સમયે મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર હતી અને વિસ્થાપિતોના નામે ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવતો હતો.

વિરોધ પક્ષના આ પ્રહારોથી નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલે ભારે આક્રોશથી જણાવ્યું કે સોનિયા ગાંધીનું નામ લેતા નહિં તમારી સરકારે ૭ વર્ષ સુધી આ અંગેની ફાઇલ દબાવી રાખી હતી.

એક તબકકે નાયબ મુખ્યમંત્રી એ ગૃહમાં ભારે આક્રોશથી બોલતા જણાવ્યું કે, હું સરકાર વતી આ મુદ્દે આપવી હોય તેટલી ચર્ચા કરવા તૈયાર છું આ બોલતાની સાથે જ  વિરોધ પક્ષ દ્વારા નાયબ મુખ્ય મંત્રીની આ વાતને એક અવાજે સ્વીકાર કરી ચર્ચા કરવાની તૈયારી દર્શાવતા આખી વાત વણસે નહિં તે બાબત ધ્યાને લઇ અધ્યક્ષશ્રીએ આ બાબતે કામકાજ સલાહકાર સમિતિમાં મુકી ચર્ચા કરી સમય ફાળવવામાં આવશે આમ કહેતા આ વાત શાંત પડી હતી.

(4:00 pm IST)