Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

અમદાવાદીઓ પ્રદૂષણથી પરેશાન : શહેરની હવા અતિ ઝેરી બની: શ્વાસ- અસ્થમાના દર્દીઓ હેરાન

શહેરમાં PM2.5નું સ્તર 334 ઉપર પહોંચ્યું : રખિયાલ સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર

અમદાવાદ : શહેરની હવા અતિ ઝેરી બની છે. શહેરમાં PM2.5નું સ્તર 334 ઉપર પહોંચ્યું છે.વધી રહેલા પ્રદૂષણના કારણે વાહન પર નીકળતા લોકોની આંખોમાં બળતરા થઇ રહી છે. સાથે સાથે અમદાવાદ શહેરમાં અચાનક જ હવા ઝેરી બનતા અસ્થમાના દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે.
   શહેરમાં સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર રખિયાલ છે. રખિયાલમાં PM2.5નું સ્તર 334એ પહોંચ્યું છે. એરપોર્ટ વિસ્તારમાં પણ PM2.5નું સ્તર 316 પર પહોંચી ગયું છે.
 અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં પ્રદૂષણની માત્ર ખૂબ વધી રહી છે. પીરાણા, નારણપુરા, સેટેલાઈટ, રાયખડ, ચાંદખેડા તમામ વિસ્તારમાં હવા ખૂબ ખરાબ બની છે. અચાનક પ્રદૂષણ વધવાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. પ્રદૂષણની સીધી અસર લોકોનાં સ્વાસ્થ્ય પર પડી રહી છે.

 અમદાવાદ શહેરમાં હવા કેવી અને કેટલી શુદ્ધ છે તેની તપાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ મૂકી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં AQMS મૂકવામાં આવી છે. તેમજ લોકોને પણ વાતાવરણની માહિતી મળી રહે તે માટે સ્ક્રિન મૂકવામાં આવી છે. જેમાં હવા કેટલી શુદ્ધ છે તે દર્શાવવામાં આવી રહ્યુ છે

  . આજે AQMS પર અમદાવાદ શહેરની હવા અતિપ્રદૂષિત બતાવી રહ્યા છે. હવા વધારે પ્રદૂષિત બનતા અસ્થમાના દર્દીઓએ કારણ વગર ઘરની બહાર ન નીકળવું હિતાવહ રહેશે. શહેરમાં પવનની ગતિ તેજ થયા બાદ પ્રદૂષણમાં ઘટાડો થશે. આવું થતાં પ્રદૂષણ શહેર પરથી જતું રહે છે. પવન જ્યારે સ્થિર થાય છે ત્યારે પ્રદૂષણ વધી જતું હોય છે.

(1:23 pm IST)