Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

એક કરોડની કિંમતના હાથી દાંત વેચવા નીકળેલો વિનાયક પુરોહિત વડોદરાથી ઝડપાયો : એક ફરાર

વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યૂરોએ વન વિભાગને સાથે રાખી ડમી ગ્રાહક મોકલીને આરોપીને ઝડપી લીધો

વડોદરા :એક કરોડની કિંમતના હાથી દાંત વેચવા નીકળેલો શખ્સ વડોદરાથી પકડાયો છે. આફ્રિકાન હાથીના બે દાંત વેચવા ફરતો સુભાનપુરાનો શખ્સ પકડાયો છે. વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યૂરોએ વન વિભાગને સાથે રાખી જસાપુરા વિસ્તારના મકાનમાંથી ડમી ગ્રાહક મોકલીને આરોપીને ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્યૂરોએ 1 કરોડની કિંમતના હાથી દાંત સાથે વિનાયક પુરોહિત નામના શખ્સની ધરપકડ કરી છે.

વન વિભાગના વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યૂરોને દિલ્હીથી બાતમી મળી હતી કે, વડોદરામાં એક શખ્સ હાથી દાંત વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ કારણ વનવિભાગે છટકુ ગોઠવ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ ગ્રાહકનો સ્વાંગ રચીને આરોપીને પકડી પાડ્યો હતો. વનવિભાગે છટકુ ગોઠવીને વિનાયક રતિલાલ પુરોહિત નામના શખ્સને પકડી પાડ્યો હતો. વનવિભાગની ટીમ, જીપીએસસી સહિતની ટીમોના 10 જેટલા સભ્યોએ રેડ પાડી હતી. જેમાં અન્ય એક વિનુ દરબાર નામનો શખ્સ ભાગી ગયો હતો. આખરે વનવિભાગે વિનાયક પુરોહિતની આકરી પૂછપરછ કરી હતી

 

વન વિભાગે વિનાયક પાસેથી જે બે હાથી દાંત કબજે કર્યા હતા, તેમાં એક હાથી દાંતનું વજન 2 કિલો હતું. એક હાથી દાંતની લંબાઈ 110 સેમી છે અને તેનું વજન 2 કિલો 766 ગ્રામ છે. તો અન્ય હાથી દાંતની લંબાઈ 110 સેમી તથા તેનું વજન 2 કિલો અને 880 ગ્રામ છે. વિનાયકે પૂછપરછમાં કહ્યું કે, આ હાથી દાંત તેના દાદા આફ્રિકાથી 1964માં લાવ્યા હતા.

વિનાયક પાસેથી મળેલી માહિતી બાદ વન વિભાગે સઘન તપાસ શરૂ કરી છે. તે આ હાથી દાંત ક્યાંથી લાવ્યો, ભાગી ગયેલો આરોપી કોણ છે, આ ટોળકી પાછળ કોણ કોણ કામ કરે છે અને શું આખુ રેકેટ છે જેમાં પ્રાણીઓની હેરાફેરી થાય છે વગેરે સવાલોના જવાબ મેળવવા વનવિભાગ પ્રયાસ કરી રહ્યું છે.

(11:54 am IST)