Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

અમદાવાદ શહેરના સોની બજારમાં દાણચોરીના કરોડોના સોનાનો વેપલો?

મોટા જવેલર્સ ગ્રૃપને ત્યાં ચાલી રહેલી તપાસમાં સ્ટોકમાં મોટો તફાવત જણાયો

અમદાવાદ, તા.૨૭: અમદાવાદના પાંચ જવેલર્સ ગ્રૃપને ત્યાં આયકર વિભાગે કરેલા સર્ચનો રેલો અન્ય જવેલર્સ સુધી પહોંચ્યો છે. આ જવલેર્સના સ્ટોકમાં મોટા તફાવત આવી રહ્યા છે. બીજી તરફ, કસ્ટમ અને ડીઆરઆઇના અધિકારીઓ અમદાવાદના બજારમાં વેચાઇ રહેલા દાણચોરીના સોનાની તપાસ કરી રહ્યા છે. તેથી દાણચોરીનું સોનું વેચતા તથા મોટી કરચોરી કરી રહેલા જવેલર્સ દોડતા થઇ ગયા છે.

થોડા સમય પહેલા જ અમદાવાદના પાંચ જવેલર્સ ઓમ જવેલર્સ (માણેક ચોક), અષ્ટમંગલ ચેઇન્સ પ્રા.લિ

(સી.જી. રોડ તથા માણેક ચોક), આર.એચ. ઝવેરી (રતનપોળ તથા શિવરંજની), શ્યામ બુલિયન (સી.જી. રોડ) તથા સુવર્ણ સંસ્કૃતિ જવેલર્સ પ્રા.લિ (સી.જી. રોડ)ને ત્યાં ઇનકમટેકસની ટીમે દરોડા પાડીને કરોડોની કરચોરી શોધી કાઢી હતી. પ્રાથમિક તપાસમાં જ તેમણે અમદાવાદના અન્ય જવેલર્સને પણ રોકડેથી મોટા પ્રમાણમાં સોનું આપ્યું હોવાની વિગતો મળી છે. જવેલર્સ ગ્રૂપ દ્વારા ૨૦-૨૦ કિલો સોનાના ખરીદ-વેચાણના વ્યવહારો છૂપાવવામાં આવ્યા છે. તેઓ સોનું-ચાંદી, પ્લેટિનમ તથા ડાયમંડની રોકેડેથી ખરીદ-વેચાણ કરી મોટા પ્રમાણમાં કરચોરી કરી રહ્યા હોવાનું સામે આવતાં આવા જવેલર્સના વ્યવહારોની તપાસ શરૂ થઇ ગઇ છે.

બીજી તરફ, જે જવેલર્સ મોટા પ્રમાણમાં દાણચોરીનું સોનું જ વેચી રહ્યા છે તેમને ત્યાં પણ સેન્ટ્રલ એજન્સીઓની તપાસ શરૂ થઇ ગઇ છે. જોકે, દાણચોરીના ૪૮૮૬ કરોડના સોનાની દાણચોરીના કેસમાં દ્યણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણમાં સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા જવેલર્સની તપાસ ચાલી રહી છે. આ તપાસમાં અન્ય ત્રણ જવેલર્સને ત્યાં પણ સર્ચ થયું હતું. આ જવેલર્સ ગ્રૂપે ૧૦-૨૦ કિલો સોનાના ખરીદ-વેચાણ છૂપાવ્યા છે. સોના-ચાંદી, પ્લેટિનમ, ડાયમંડની મોટી ખરીદી-વેચાણ કરી તેની કોઇ જ નોંધ જ નહીં કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, અમદાવાદના સંખ્યાબંધ જવેલર્સની કરચોરીની વિગતો ડિપાર્ટમેન્ટ પાસે હોવાથી તે દિશામાં કામ ચાલી રહ્યું છે.

અમદાવાદના જવેલર્સને ૬૦૦ કરોડની ટેકસ ડિમાન્ડ નોટિસો

અમદાવાદના ૫૦૦થી વધુ જવેલર્સને ૬૦૦ કરોડની ડિમાન્ડ સહિત ગુજરાતભરના જવેલર્સને ૧૦૦૦ કરોડ કરતાં વધુની ટેકસ ડિમાન્ડની નોટિસો ફટકારવામાં આવી છે. ઇનકમટેકસ દ્વારા એસેસમેન્ટ વર્ષ ૧૭-૧૮ની નોટિસો ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ પહેલા આપવાની હોઇ દેશભરમાં ૧૨ હજાર કરતાં વધારે જવેલર્સને ડિમાન્ડ નોટિસ ફટકારી તેમની પાસેથી ડ્ડ ૧૫,૦૦૦ કરોડની ટેકસ ડિમાન્ડ કરી છે જેમાં અમદાવાદના જવેલર્સને

બે કરોડથી લઈને ૭૦ કરોડ સુધીના ટેકસ ડિમાન્ડની નોટિસો મળી છે. આ પૈકી ઘણા જવેલર્સ દ્વારા ટેકસ નોટિસ સામે રજૂઆત કરવામાં આવી છે.

નોટબંધી ટાણે કરોડોનો ધંધો કરનારા સોની દોડતા થઈ ગયા

સરકારે ૮મી નવેમ્બર, ૨૦૧૬ની રાત્રે ૫૦૦, ૧૦૦૦ની ચલણી નોટો રદ કરી હતી. જેમની પાસે મોટા પ્રમાણમાં ૫૦૦, ૧૦૦૦ની નોટો હતી તેમણે આખી રાત સોનાની ખરીદી કરી હતી. અમદાવાદના સોની બજારમાં જ એક જ રાત્રે ૫૦૦ કરોડનું સોનું વેચાયું હતું. આ તમામ સોનીને ઇનકમટેકસ વિભાગે જેટલો વકરો થયો હતો તે તમામ પર ટેકસ ગણી ટેકસ ડિમાન્ડ નોટિસ આપી છે.

(11:21 am IST)