Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ગાંધીનગરમાં વસંતોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગુજરાતમાં કલા -સંસ્કૃતિના ક્ષેત્રો રાજ્ય આશ્રિત નહિ, રાજ્ય દ્વારા પુરસ્કૃતઃ વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરમાં વસંતોત્સવ પ્રારંભ પ્રસંગે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ગઝલ ગાયક મનહર ઉધાસ, વિભાગના અગ્રસચિવ સી.વી.સોમ મેયર રીટાબેન પટેલ વિભાગનાં કમિશનર ડી.ડી.કાપડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર,તા.૨૭: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં ૨૫માં  વસંતોત્સવનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટ પણે કહ્યું કે કલા સંસ્કૃતિ જેવા ક્ષેત્રો રાજય આશ્રિત નહિ રાજય પુરસ્કૃત હોય એવી આગવી કાર્ય સંસ્કૃતિ ગુજરાતમાં કલા સાહિત્ય સંગીતને પ્રોત્સાહન આપીને આ સરકારે વિકસાવી છે.

શ્રી વિજયભાઈ રૂપાણી રાજય સરકારના યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા સંસ્કૃતિ કુંજમાં  આયોજિત વસંતોત્સવના શુભારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

તેમણે ઋતુરાજ વસંતના વધામણાંના અવસરને દેશના વિવિધ રાજયોની કલા પ્રસ્તુતિથી એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ સાકાર કરનારો લોકોત્સવ ગણાવ્યો હતો.

શ્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાતમાં ઉજવાતો આ કલા ઉત્સવ હસ્તકલા કારીગરી ક્રાફટ બજાર અને વિવિધ રાજયોના ખાન, પાન, વ્યંજન એક જ સ્થળે ઉપલબ્ધ કરાવતો હોલીસ્ટિક કલ્ચરલ ફેસ્ટિવલ બન્યો છે એમ જણાવ્યું હતું.

તેમણે રાજય સરકાર કલા મહાકુંભ, મોઢેરા ઉત્સવ, તાનારીરી મહોત્સવ જેવા ઉત્સવોના આયોજનથી કલા સંગીત સાંસ્કૃતિક પ્રવૃતિઓ ક્ષેત્રે પ્રતિભા સંપન્ન કલાકારોને મંચ આપેછે તેની ભૂમિકા આપી હતી. વસંતોત્સવના ઉદ્ઘાટન અવસરે તેમણે ક્રાફટ બજારને પણ ખુલ્લી મૂકી હતી.

રાજયમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, ગાંધીનગરના મેયર શ્રી રીટા બહેન પટેલ તથા જાણીતા ગઝલ ગાયક મનહર ઉધાસ, અગ્ર સચિવ શ્રી સી.વી. સોમ અને કમિશનર શ્રી કાપડિયા તથા આમંત્રિતો અને કલા પ્રેમીઓ આ અવસરે જોડાયા હતા. વસંતોત્સવના પ્રથમ દિવસે છતિસગઢનું પંથી અને ઓડિશાનું લોક નૃત્ય રજૂ થયા હતા.

(11:21 am IST)