Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

આગામી ૫ માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષાના કાઉન્ટ-ડાઉનનો પ્રારંભ

અમદાવાદ, તા.૨૭: સમગ્ર રાજયમાં ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સ તથા કોમર્સની જાહેર પરીક્ષાના વહીવટ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો આગામી તા. ૫ માર્ચના ગુરૂવારથી પ્રારંભ થશે. પરીક્ષાના પ્રારંભના આડે એક વીક રહ્યું છે ત્યારે પરીક્ષાનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ જવાની સાથે જ કટોકટીના દિવસોની છેલ્લી તૈયારી કરી વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સજ્જ થઈ રહ્યાં છે. ધો. ૧૦ની પરીક્ષા સવારે ૧૦.૦૦ થી બપોરે ૧૩.૧૫ સુધી યોજાશે. જયારે ધો. ૧૨ સાયન્સની પરીક્ષા બપોરે ૩.૦૦ થી ૬.૩૦ દરમિયાન યોજાશે. પરીક્ષાના સુચારૂ આયોજનરૂપે જિલ્લા પરીક્ષા સમિતિએ એકશન પણ પ્લાન ઘડી કાઢયો છે.

શહેર – જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૪૪મી કલમ લગાવી પ્રતિબંધાત્મક આદેશો પણ અમલી બનાવાશે. ઉપરાંત પરીક્ષા સ્થળની આજૂબાજૂના તમામ ઝેરોકસ સેન્ટરો પણ બંધ કરાવાશે.

પરીક્ષા સ્થળની તમામ જવાબદારી કેન્દ્ર સંચાલકની રહેશે. ઉપરાંત પરીક્ષા સ્થળે એક સત્તવાર મુલાકાતી રજીસ્ટર પણ રાખવામા આવશે. જેમાં પરીક્ષા દરમિયાન સ્થળની મુલાકાત લેનારાની તમામ વિગતોની નોંધ રખાશે. પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલાં તમામ કર્મચારીઓને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અધિકૃત ઓળખપત્ર અપાશે. ઓળખપત્ર સિવાયની કોઈપણ વ્યકિતને પરીક્ષા ખંડમાં પ્રવેશવા દેવાશે નહીં. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે સ્કવોડનું આયોજન પણ કરવામા આવ્યું છે.

(10:24 am IST)