Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

કચ્છ સૌથી વધુ ઉર્જા ઉત્પન્ન કરતું સૌથી મોટુ કેન્દ્ર બનશે

ઉર્જા-પેટ્રો કેમિકલ્સ માટે ૧૩૯૧૭ કરોડ : ખેડૂત માટે દિનકર યોજના : ૩૫૦૦ કરોડના ખર્ચે નવા સબ સ્ટેશન સ્થાપીને ટ્રાન્સમીશન નેટવર્ક સુદ્રઢ બનાવાશે

અમદાવાદ, તા.૨૬ : નીતિન પટેલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કચ્છ ખાતે દુનિયાના સૌથી મોટા હાઇબ્રીડ પાર્કના નિર્માણથી , તે એક જ સ્થળેથી સૌર અને પવન ઊર્જા દ્વારા વાર્ષિક ૨૫,૦૦૦ મેગાવોટ ઊર્જા ઉત્પન્ન કરતું દુનિયાનું સૌથી મોટું સ્થળ બનશે, જે બહુ મોટી અને ગુજરાત માટે ગૌરવવંતી વાત કહી શકાય.  આ સાથે જ ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે કુલ રૂ ૧૩ , ૯૧૭ કરોડની જોગવાઇ-કરાઇ છે. તેમણે ઉમેર્યું કે, સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા વીજ જોડાણ , સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે . હવે ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂરી કરવા દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાનો અમે નિર્ધાર કર્યો છે. જેના ભાગરુપે હું નવી દિનકર યોજના જાહેર કરાય છે. આ યોજનામાં આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદઢ કરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા રૂ.૩૫૦૦ કરોડનું આયોજન છે. જે માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે.

          આશરે એક લાખ કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂ.૧૪૮૯ કરોડની જોગવાઇ કરાઇ છે. સાથે સાથે ખેતીનો ખર્ચ ઘટાડવા ખેડૂતોને રાહત દરે વીજ પુરવઠો પૂરો પાડવા માટે સબસિડી આપવા રૂ ૭૩૮૫ કરોડની જોગવાઈ કરાઇ છે. તો, લોકપ્રિય સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત સોલર રૂફટોપ માટે સબસિડી આપવા માટે રૂ.૯૧૨ કરોડની જોગવાઈ કરાઇ છે. તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસને વિનામૂલ્ય વીજળી પૂરી પાડવા માટે રૂ.૭૬૫ કરોડની સબસિડીની જોગવાઈ ઉમેરાઇ છે. આગામી વર્ષે ૧૪૦ નવા સબસ્ટેશનો સ્થાપવાનું આયોજન છે.

          જે માટે રૂ.૪૨૧ કરોડની જોગવાઈ કરાઇ છે. જૂના જર્જરિત વીજ વાયરોને બદલવા , નડતર રૂપ વીજ માળખાના સ્થળાંતર માટે , લાંબા ખેતીવાડી ફિડરોના વિભાજન માટે, કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાના અમલીકરણ તથા સીમ શાળાઓમાં થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડવા રૂ.૩૦૫ કરોડની જોગવાઈ કરાઇ છે. તો, ગુજરાત સ્ટેટ ઇલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત ઇલેકિટ્રસિટી ટ્રાન્સમિશન કોર્પોરેશનને શેરમૂડી ફાળા માટે રૂ.૨૭૫ કરોડની જોગવાઈ કરાઇ છે, જયારે ગુજરાત સ્ટેટ ઇલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડના પાવર જનરેશન યુનિટોના આધુનિકીકરણ અને રેટ્રોફિટિંગ માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ કરાઇ છે. રાજયના ઓછી આવક ધરાવતા તેમજ આદિજાતિ , અનુસૂચિત જાતિના પાત્રતા ધરાવતા અંદાજે ૪૬, ૨૫૦ પરિવારોને ઘર વપરાશનું વીજ જોડાણ આપવા રૂ.૨૫ કરોડની જોગવાઇ કરાઇ છે.

(10:21 pm IST)