Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

MSME એકમોની સહાય માટે ૧,૪૫૦ કરોડ અપાયા

ઉદ્યોગ અને ખાણ વિભાગને ૭૦૧૭ કરોડ : માંદા ઔદ્યોગિક એકમના પુનર્વસન માટે કુલ ૧૦૦ કરોડ

અમદાવાદ, તા.૨૬ : રાજય સરકાર દ્વારા બજેટમાં ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂ.૭૦૧૭ કરોડની જોગવાઇ કરાઇ છે, જેમાં એમએસએમઇ એકમોની સહાય માટે રૂ.૧૪૫૦ કરોડની ફાળવણી થઇ છે એટલે કે, એમએસએમઇ સેકટર માટે સરકાર ચિતિંત છે, તે વાત સામે આવી છે. ઔધોગિક નીતિ ૨૦૧૫ અંતર્ગત ચાલુ વર્ષે એમએસએમઇ સહાય યોજનાઓ હેઠળ આશરે ૨૬૦૦ એકમોને મંજૂરી આપવામાં આવી છે . જેના માટે રૂ.૧૪૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે એમ નાણામંત્રીએ જણાવ્યું હતું. તેમણે ગૃહમાં વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૧૮-૧૯માં ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ કુલ રૂ.૧૨,૬૧૮ કરોડનું થયું હતું. તેની તુલનામાં ૨૦૧૯ -૨૦ના પ્રથમ ૬ મહિના દરમિયાન રૂ.૨૪,૦૧૨ કરોડનું એટલે કે બમણું ઇન્વેસ્ટમેન્ટ મેળવીને, સમગ્ર દેશમાં ગુજરાત બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સ્થપાયેલા રપ૭૪ મોટા ઉદ્યોગોમાંથી ૭૩પ મોટા એકમો એકલા ગુજરાતમાં જ સ્થપાયા છે.

          રોજગાર સર્જન કરતા ઉદ્યોગોને સહાય આપવાની યોજનાઓ જેવી કે સ્કીમ ફોર ઈન્સેન્ટીવ ટુ ઈન્ડસ્ટ્રીઝ , પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ , મેગા ઇનોવેટિવ પ્રોજેકટ , એરોસ્પેસ અને ડિફેન્સ સેકટરને પ્રોત્સાહન આપવા રૂ.૯૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે, જયારે, ડીપ - સી પાઈપલાઈન તથા આંતરમાળખાકીય સુવિધાના જુદા જુદા પ્રોજેકટને સહાય આપવા રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તો, રાજ્યના વાયેબલ માંદા ઔદ્યોગિક એકમોના પુનર્વસન માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ થઇ છે. ગુજરાતને વૈશ્વિક કક્ષાએ રોકાણ માટેના ઉત્તમ સ્થળ તરીકે પ્રસ્થાપિત કરનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન માટે રૂ.૯૫ કરોડની જોગવાઇ કરાઇ છે. ઔદ્યોગિક આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે સહાય આપવાની યોજના અંતર્ગત મંજૂર કરેલ પ્રોજેક્ટો માટે રૂ.૬૫ કરોડની જોગવાઇ કરાઇ છે. ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને લોજીસ્ટીક પાર્કમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય આપવા રૂ.૩૭ કરોડની જોગવાઈ કરાઇ છે. સંશોધન અને નવીનતમ સાહસો માટે યુવા વર્ગ વધારે ઉત્સાહી બને તે માટેની સ્ટાર્ટઅપ - ઇનોવેશન યોજના માટે રૂ.૧૮ કરોડની ફાળવણી કરાઇ છે.

એન્વાયર્નમેન્ટ સ્ટડી રિપોર્ટ માટે ૨૦ કરોડ

અમદાવાદ, તા. ૨૬ : રાજ્યમાં ખાણ કામ માટે એનવાયરમેન્ટ ક્લીયરન્સ પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે.આ પ્રમાણપત્ર ઝડપથી અને સરળતાથી મેળવવા સરકાર દ્વારા એનવાયર્નમેન્ટ સ્ટડી રિપોર્ટ તૈયાર કરવા રૂ.૨૦ કરોડની જોગવાઇ બજેટમાં કરાઇ છે. ખાસ કરીને ખનીજ ક્ષેત્રે પ્રોડકશન અને મેન્યુફેકચરમાં ફાળો વધારવા ગુજરાત ગ્રેનાઇટ , બ્લેકટ્રેપ , બેન્ટોનાઇટ , ચાઇનાકલે ખનીજ નીતિ માટે રૂ.૬ કરોડની જોગવાઈ કરાઇ છે. તો, અંબાજી અને ધ્રાંગધ્રા ખાતેના સ્ટોન આર્ટીઝન પાર્કના વિકાસ માટે રૂ.૧૦ કરોડની જોગવાઈ કરાઇ છે.

(10:19 pm IST)