Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

સાયન્સ સીટી ખાતે જીટીયુનો 11મો પદવીદાન સમારંભ યોજાયો

144 વિદ્યાર્થીઓ અને 1 સ્ટાર્ટઅપ કર્તાને ગૉલ્ડમેડલ, 70 પી.એચડી સહીતના 59495 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

અમદાવાદ :ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)નો 11મો પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન ઝાયડસના કેડિલાના મેનેજિંગ ડાયરેક્ટર પંકજભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતાં જણાવ્યું કે, તમારી અથાગ મહેનતના ફળ સ્વરૂપે આપ પદવીદાન સમારંભમાં ઉપસ્થિત છો. કુશળતા અને જ્ઞાન સાથે ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે આપ સર્વે તૈયાર હશો તેની મને ખાતરી છે. કારર્કિર્દી ઘડતરમાં શિક્ષણ પાયારૂપ એકમ છે. ડિગ્રી મેળવવા માટે ન માત્ર વિદ્યાર્થીઓ જ, પણ આપના પરિવારજનો અને અધ્યાપકોએ પણ અનેક સ્તરે બલિદાન આપ્યા છે.

ઉચ્ચ શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓના પરિવારનું આર્થિક તેમજ સમયનું પણ બલિદાન સામેલ હોય છે. તેવી જ રીતે, હું નોંધ કરીશ કે જો યુનિવર્સિટીના અધ્યાપકો અને સ્ટાફ ન હોત તો આજે આપણામાંથી કોઈ અહીં હાજર ન હોત. પદવી મેળવી રહેલાં દરેક વિદ્યાર્થીઓએ આ બાબતે ગર્વ અનુભવવો જોઈએ. મને વિશ્વાસ છે કે, ભવિષ્યના પડકારો સામે ટેક્નિકલ જ્ઞાન થકી સમસ્યાનું સમાધાન લાવશો. આજરોજ ડિગ્રી મેળવી રહેલાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં વિદ્યાર્થીઓ ન માત્ર પુસ્તકના પાના ફેરવવાની જ ક્ષમતા ધરાવે છે, પરંતુ પુસ્તકમાં જ પોતાનું એક પ્રકરણ પણ ઉમેરવાની ક્ષમતા ધરાવે છે, જેમાંથી અન્ય લોકો અને વિદ્યાર્થીઓ પણ શીખી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એ એક જ્ઞાનરૂપી વડલો છે. જેને ટૂંકા સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધા કરી શકે તેવા શ્રેષ્ઠ ટેક્નોક્રેટનું સિંચન કર્યું છે. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય
આપીને દરેક ક્ષેત્રોમાં વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડેલ છે. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ સપોર્ટ સિસ્ટમ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. શિક્ષણ ક્ષેત્રમાં જીટીયુ ભારતનું ભવિષ્ય છે.

કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે પણ જીટીયુએ વિદ્યાર્થીઓના હિતલક્ષી નિર્ણયો અને બહોળી સંખ્યામાં સરકારના માન્યદરે જાહેર જનતા માટે કરવામાં RT-PCR ટેસ્ટ કરીને સમાજને પડખે રહીને સમાજસેવા માટે કટિબદ્ધ રહેલ છે. આપ સર્વે નોકરીકર્તાની જગ્યાએ નોકરીદાતા થઈને આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહભાગી થશો તેવી શુભકામના.

અંતમાં નેલ્સન મંડેલાની ઉક્તિને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, “શિક્ષણ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે, જેના યોગ્ય ઉપયોગ થકી વિશ્વને બદલવા આપ સર્વે સમર્થ છો.”

આજે વિજ્ઞાનભવન સાયન્સ સીટી ખાતે યોજાયેલાં પદવીદાન સમારંભમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ચાન્સેલર આચાર્ય દેવવ્રતજી 11માં પદવીદાન સમારંભને ડિજીટલી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ દ્વારા જીટીયુનો વાર્ષીક અહેવાલ પણ રજૂ કરીને પદવી મેળવી રહેલા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

અતિથિ વિશેષ અને રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, જીટીયુ આયોજિત 11માં વાર્ષિક પદવીદાન સમારંભનો એક ભાગ બનીને હું ખૂબ જ ખુશ છું. આજરોજ આ ઉત્તમ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની યાદ કરવા જ રહ્યા.

જ્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યમાં ટેક્નિકલ શિક્ષણને વ્યાપ વધે તે હેતુસર, વાઈબ્રન્ટ ગુજરાતના નારો આપીને રાજ્યમાં ટેક્નિકલ યુનિવર્સિટીના નિર્માણ માટેનું સ્વપ્ન સેવ્યું હતું. જે આજે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી રૂપી સોળે કલાએ ખીલેલું જોવા મળી રહ્યું છે. પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલ વાઈબ્રન્ટ ગુજરાતના નારાને ટેકનિકલ શિક્ષણ થકી જીટીયુ વિશ્વભરમાં સાર્થક કરી રહ્યું છે.

રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા વર્ષ 2007માં ટેકનિકલ શિક્ષણ રૂપી જે બીજ રોપવામાં આવ્યા હતા, તે આજે સમગ્ર ગુજરાત, દેશ અને વિશ્વભરમાં વટવૃક્ષ બનીને ટેકનિકલ શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યું છે. જીટીયુ ન માત્ર ટેકનિકલ શિક્ષણ પરંતુ ઇનોવેશન અને રિસર્ચનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઇનોવેશન ક્ષેત્રે જીટીયુ હંમેશા અગ્રસ્થાને રહ્યું છે. ઈનોવેશન ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર જીટીયુ દ્વારા શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તાને ગોલ્ડ મેડલ આપવાની આગવી પરંપરા શરૂ કરી છે.

સ્ટાર્ટઅપમાં ગોલ્ડમેડલ આપતી જીટીયુ દેશની એકમાત્ર યુનિવર્સિટી છે. વિદ્યાર્થીઓનો પુસ્તકિયું જ્ઞાનની જગ્યાએ સર્વાંગી વિકાસ થાય તે માટે જીટીયુ સતત કાર્યરત રહે છે. ટેક્નોક્રેટ યુગમાં દરેક કંપની જરૂરીયાત ધ્યાનમાં રાખીને જીટીયુમાં વિવિધ સ્કીલ બેઝ્ડ કોર્સ પણ ચલાવવામાં આવે છે. જે કારણોસર જ કોરોનાકાળમાં પણ જીટીયુના અનેક વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ દ્વારા વાર્ષિક 1.80 થી 10 લાખ સુધીના જોબ પેકેજ પૂરાં પાડવામાં આવ્યા છે.

વિશ્વ આખામાં કોરોના મહામારીને કારણોસર અનેક લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. પરંતુ જીટીયુની દૂરંદેશીથી કોરાનાકાળમાં પણ વિદ્યાર્થીઓને આ પ્રકારની સમસ્યાને સામનો કરવાનો વારો આવેલ નથી. આ કારણોસર જ ટૂંકાગાળાના સમયમાં પણ જીટીયુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે.

તાજેતરમાં જ રિસર્ચ અને ઈનોવેશનમાં જીટીયુ ઈનોવેશન કાઉન્સિલને વિવિધ એવોર્ડ પ્રાપ્ત થયા છે. હાલમાં જાપાન ખાતે આયોજીત 18મી ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં દ્વિતિય સ્થાન પર શ્રેષ્ઠ જજીસ એવોર્ડ મેળવીને રોબોટીક્સ ક્ષેત્રે પણ જીટીયુની રોબોટીક્સ ટીમે વિશ્વભરમાં દેશનું નામ રોશન કર્યું છે. આ ટીમે સતત 3 વર્ષથી રાષ્ટ્રીય કક્ષાએ ટોપ-3માં સ્થાન હાંસલ કરેલ છે. વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીયકક્ષાએ પણ રોબોટીક્સની બેસ્ટ ડિઝાઈન માટે પણ એવોર્ડ મેળવેલ છે. જ્યારે વર્ષ-2021માં ટેપ-10માં સ્થાન પ્રાપ્ત કરેલ છે. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. આ બદલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને હું અભિનંદન પાઠવું છું. જીટીયુ હંમેશા સમાજ ઉત્થાન માટે કટીબદ્ધ રહ્યું છે.

આગામી સમયમાં પણ જીટીયુ સમાજ ઉત્થાન માટેની આ પ્રવૃતિઓમાં કાર્યરત રહશે તે મને પૂર્ણ રીતે વિશ્વાસ છે. રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી હોવાનું બહુમાન ધરાવતી જીટીયુએ ખરા અર્થમાં ટેકનોલોજી શબ્દને ચરિતાર્થ કર્યો છે. જીટીયુમાંથી આજરોજ પદવી મેળવી રહેલા વિદ્યાર્થીઓ અંગે મને પૂર્ણ વિશ્વાસ છે કે, આગામી દિવસોમાં દેશ અને દુનિયાભરમાં જીટીયુના આ વિદ્યાર્થીઓ રાજ્યનું નામ રોશન કરશે.

11માં પદવીદાન સમારંભમાં જુદા-જુદા કોર્સના 59495 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી 144 વિદ્યાર્થીઓને ગૉલ્ડ મેડલ તથા 70 વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડિગ્રી એનાયત કરાઈ હતી. જીટીયુની પરંપરા મુજબ નવીન સાહસને પ્રોત્સાહન આપવા બાબતે રિઓલો હોલોગ્રાફિક્સ પ્રાઈવેટ લિમિટેડના માલવ શાહને શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તા માટેનો આ વર્ષેનો ગૉલ્ડ મેડલ આપીને સન્માનવામાં આવ્યા છે. હોલોગ્રામ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોઈ પણ સજીવ વસ્તુ અને વ્યક્તિની આભાસી પ્રતિકૃત્તિને એક સ્થાનેથી બીજા સ્થાને દર્શાવવા માટે આ સ્ટાર્ટઅપ મદદરૂપ થાય છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને રૂબરૂમાં અને અન્ય વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પદવી એનાયત કરાઈ હતી.

(9:56 pm IST)