Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

મહત્વના સ્થાને રહેલ હવે પોસ્ટીંગવિહોણા, એક મોટા ગજાના રાજકીય નેતાના વેવાઈ સજા જેવા સ્થાને બદલાયા

ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા બહાર પડાયેલા ઓર્ડરમા ભાઉ નો હાથ ઉપર રહ્યો, પ્રથમ મોટા ઓર્ડરનું પોસ્ટમોર્ટમ : સૌથી ટોચના સ્થાન પર મૂળ સૌરાષ્ટ્ર ના ખૂબ સારી છાપ ધરાવતા કે.ટી.કામરિયા, ટોચના સ્થાનેથી બદલાયેલ અધિકારીને પણ વેઈટિંગમા રખાયા

રાજકોટ તા.૨૭, રાજ્ય પોલીસ તંત્રના ૫૮ જેટલા ડીવાયએસપી લેવલના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલી ઓર્ડર દ્વારા આંચકા સાથે આશ્ચર્ય અને આઈપીએસ બદલીઓમાં કોનો હાથ ઉપર રહશે તેના સંકેત આપી રહ્યા છે.
સૌપ્રથમ વાત કરીએ તો આ બદલી ઓર્ડરમા સૌથી ટોપ પોસ્ટ પર રહેલ સ્ટેટ મોનીટરીંગ સેલના જ્યોતિ પટેલને બદલી કરવામાં આવ્યા બાદ તેમને કોઈ પોસ્ટીંગ આપવાને બદલે આશ્ચર્યજનક રીતે વેઈટિંગમા રાખવામાં આવ્યા છે. જોકે ભૂતકાળમાં રાજકોટમાં તથા હાલમાં  પ્રશંસનીય ફરજ બજાવનાર ભરત રાઠોડ, મંજીતા વણઝારા સહિત અડધો ડઝન અધિકારીઓને હાલ પોસ્ટીગ માટે રાહ જોતા રાખવામાં આવ્યા છે.
 બદલીના ઉકત હુકમમાં દક્ષિણ ગુજરાતમાં ખૂબ મહત્વની જગ્યાએ ફરજ બજાવતા ભારતીય જનતા પાર્ટીના ખૂબ વગદાર અને દિલ્હી સુધી સંબંધ ધરવતા નેતાના વેવાઈ એવા ડેપ્યુટી સુપ્રિ.ને આશ્વર્ય જનક રીતે પોલીસ તંત્રમાં ખૂબ સજાના સ્થાન તરીકે ઓળખાતી જગ્યાએ મુકાતા રાજકીય અને પોલીસ તંત્રમાં ખૂબ ચર્ચા જાગી છે.                          
 સૌથી મહત્વનું સ્થાન મૂળ સૌરાષ્ટ્રના મોરબી પંથકના વતની અને ખૂબ સારી છાપ ધરાવવા સાથે મહેનતુ અધિકારી તરીકે જાણીતા સાણંદના ડીવાયએસપી કે.ટી. કામરિયાને આપવામાં આવ્યું છે.તેઓને આખા ગુજરાતની હકૂમત વાળા સ્ટેટ મોનીટરીંગ સેલમાં મૂકવામાં આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલ પાસે દારૂ અને જુગાર તથા ગેર કાયદે હથિયારો તથા કેફી દ્રવ્ય માટે આખા રાજ્યમાં દરોડા પાડવાની સતા હોય છે.  
 ડીવાયએસપી બદલીઓનો બીજો રાઉન્ડ પણ આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે, તેનું મહત્વનું કારણ એ છે કે, ડીવાયએસપી લેવલે ૪ વર્ષથી વધુ એક શહેર કે જિલ્લાઓમાં ફરજ બજાવનાર હજુ યથાવત છે, આગામી વિધાનસભા ચૂંટણી ધ્યાને રાખી ચૂંટણી પંચ દ્વારા પણ ત્રણ વર્ષથી વધુ સમયના અધિકારીઓને નિયમ મુજબ બદલે તે પહેલાં ગૃહ વિભાગ બદલી ઓર્ડર કરશે એ સ્વાભાવિક છે. આ બદલીમાં નિશ્ચિત મનાતા અધિકારીઓ ચોક્કસ સ્થાન માટે નક્કી હતા પરંતુ તેવું થયેલ નથી તે બાબતે પણ અનેક સસ્પેન્સ્ જાગેલ છે. આઇપીએસ અધિકારીઓની બદલીઓ સંદર્ભે ટેસ્ટ કરવામાં આવેલ લિસ્ટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, પ્રયત્નો સાથે એક બીજાને માત આપવા માટે ચોક્કસ પ્રકારની ગંદી રમત નામ કપાવવા માટે ચાલી રહ્યાની પણ ચર્ચા છે.

 

(11:38 am IST)