Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટર શાહે પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લાકક્ષાનુ ધ્વજવંદન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાષ્ટ્રના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથકે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આમંત્રિત મહાનુભાવો,પદાધિકારીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનોની વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર શાહે આજના પ્રજાસત્તાક પર્વના વધામણા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર  દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથો સાથ તેમણે મહાનુભાવોનું અભિવાદન પણ કર્યું હતું.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચવા જિલ્લાના નાગરિકો મહત્તમ રસી મુકાવે તે ખૂબ જ જરૂરી છે. તેમ જણાવી શાહે ઉમેર્યું હતું કે, શહેર જિલ્લામાં આરોગ્ય કર્મીઓ, અગ્રિમ હરોળના કોરોના વોરીયર્સ અને ૬૦ વર્ષથી વધુની વયના અને કોમોર્બિડિટી લાભાર્થી નાગરિકો માટે પ્રિકોશન ડોઝના રસીકરણની ચાલી રહેલી ઝૂંબેશને અનુલક્ષીને પાત્રતા ધરાવતા તમામ લોકોને સમયસર રસીના ડોઝ લેવાની આગ્રહપૂર્વકની તેમણે અપીલ કરી છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા વિકાસ અધિકારી  પી.ડી. પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ વગેરેના હસ્તે નાંદોદ તાલુકાના વિકાસ માટે નાંદોદ મામલતદારને રૂા.૨૫ લાખનો ચેક, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત શ્રેષ્ઠ પર્ફોમન્સ કરનાર રાજપીપલા જનરલ હોસ્પિટલ વતી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તાને પ્રમાણપત્ર, શ્રેષ્ઠ કામગીરી બદલ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર, ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મયોગીઓને પ્રમાણપત્ર, કરૂણા અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર વોલન્ટીયર્સને પ્રમાણપત્ર, શ્રેષ્ઠ કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસર્સને પ્રમાણપત્ર એનાયત કરી તેમનું સન્માન કરાયું હતું, જયારે ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં કોરોના વોરિયર્સને રસીના પ્રીકોઝન ડોઝ અપાયાં હતાં.
આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, શહેર- જિલ્લાના અગ્રણીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઇ માછી અને હિતેશભાઇ પ્રજાપતિએ કર્યું હતું.કાર્યક્રમના અંતમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

(10:55 pm IST)