Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સુરત : દરિયા કિનારે બીચ પર હોમગાર્ડસ જવાનોની દારૂ પાર્ટી

દારૂબંધીના લીરેલીરા ઊડાડતા હોમગાર્ડ જવાનો : ૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિને ધોળા દિવસે પાર્ટી કરતા જવાનોએ માથા પર દારૂની બોટલો મૂકી ડાન્સ પણ કર્યો

સુરત, તા. ૨૭ : ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના લીરેલીરાંની એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના ડભારી દરિયાકિનારે હોમગાર્ડના જવાનો દ્વારા ધોળા દિવસે ખુલ્લેઆમ બીચ પર બેસીને દારૂ પાર્ટી કરવામાં આવી હતી. એટલું જ નહીં નશામાં ભાન ભૂલેલાં આ જવાનોએ માથે દારૂની બોટલો મૂકીને ડાન્સ પણ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

૨૬મી જાન્યુઆરીએ જ્યાં સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી. તેવામાં સુરતના અમુક હોમગાર્ડ જવાન અલગ જ પ્રકારની ઉજવણી કરતાં હતા. સુરતના ઓલપાડના દભારી દરિયાકિનારે હોમગાર્ડના જવાનો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી હતી. અને માથે બોટલો મૂકી સરેઆમ ડાન્સ પણ કર્યો હતો. જાણે કે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે ખુલ્લેઆમ દારૂ પાર્ટીની મોજ ચાલી રહી હતી. આ પાર્ટીમાં હોમગાર્ડના સાયણ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડિંગ પણ સામેલ હતો.

દારૂ પાર્ટીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો. અને વીડિયો વાઈરલ થતાં જ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સુરત જિલ્લાના હોમગાર્ડના અદધિકારીઓ દ્વારા પણ આ મામલે હવે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં આમ તો સરકાર અને પોલીસ દ્વારા દારૂબંધીની મસમોટી જાહેરાતો કરવામાં આવે છે. પણ આ જ લોકો દ્વારા સૌથી વધારે દારૂબંધીના લીરેલીરાં ઉડતાં હોય છે. રાજ્યમાં એકપણ ખૂણો એવો નહીં હોય કે જ્યાં દારૂ ન મળતો હોય. દારૂના સ્ટેન્ડ ચલાવવા માટે બુટલેગરો પોલીસને બેફામ પૈસા આપે છે. તેવામાં રાજ્યમાં કહેવાતી દારૂબંધીનો અમલ હાંસીપાત્ર જણાઈ આવે છે.

(7:52 pm IST)