Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સુરતના કીમ ચોકડીથી તડકેશ્વર સુધી ૧૦ કિ.મી.ના ફોર લેન રોડ બનાવવા નીતિનભાઇ પટેલની મંજૂરીઃ માંગરોળ તાલુકાના ઉદ્યોગપતિઓની સફળ રજૂઆત

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજ્યના મંત્રી ગણપત વસાવાની આગેવાનીમાં માંગરોળ તાલુકાના ઉદ્યોગપતિઓ સાથે મળી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિન પટેલની સાથે આજરોજ ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. ચેમ્બર તથા ઉદ્યોગપતિઓએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને માંગરોળ વિસ્તારના કીમ ચોકડીથી લઇને તડકેશ્વર સુધી 10 કિલોમીટર લાંબા ફોરલેન રોડની માંગણી સાથે રજૂઆત કરી હતી.

ઉપરોકત રજૂઆત વખતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયાની સાથે માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશનના ધીરુભાઈ શાહ, પ્રવીણ ડોંગા, કિરણ ઠુમ્મર, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, જગજીવન ગોંડલીયા અને આશિષ સવાણી સહિતના ઉદ્યોગપતિઓ જોડાયા હતા.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ફોર લેન રોડની જરૂરિયાત તેમજ રોડને પગલે સ્થાનિક વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને મળનાર ગતિ વિશે વિસ્તૃતપણે ચર્ચા કરી હતી. ચેમ્બર તથા ઉદ્યોગના આગેવાનોની રજૂઆતને પગલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાત્કાલિક ધોરણે ફોરલેન રોડ બનાવવા માટે મંજૂરી આપી દીધી હતી.

(5:01 pm IST)