Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

કુપોષણ સામે સરકારનો જંગ : ગુરૂવારથી ૩ દિ' પ્રધાનો, અધ્યક્ષો, અધિકારીઓ ગામડા ખૂંદશે

મુખ્યમંત્રી સુપોષિત ગુજરાત નીધિ નામથી ફાળો ઉઘરાવાશે

રાજકોટ, તા., ૨૭: રાજય સરકાર દ્વારા કુપોષણ સામે જંગ સમાન અભિયાન આદરવામાં આવ્યું છે. તા.૩૦ અને ૩૧ જાન્યુઆરી તથા ૧ ફેબ્રુઆરીએ આ અભિયાન અંતર્ગત ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે-ગામડે જઇ પોષણને લગતા કાર્યક્રમો કરશે. આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ યોજી આ અંગેનું માર્ગદર્શન આપયું હતું.

સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ વખતે  જે રીતે મંત્રીઓ, બોર્ડ નિગમના અધ્યક્ષો, આઇએએસ અને આઇપીએસ કક્ષાના અધિકારીઓ વગેરે જે રીતે ગામડે-ગામડે જાય છે તે જ રીતે પોષણ અભિયાન અંતર્ગત   ૧૩૦૦ જેટલા સ્થાનો પર જશે. જિલ્લા પંચાયતની બેઠક દીઠ કાર્યક્રમો થશે. બાળ તંદુરસ્તી સ્પર્ધાઓ થશે. કુપોષીત બાળકને પોષીત બનાવવા માટે દતક લેનાર લોકોને સન્માનીત કરવામાં આવશે. બાળકોને પુરતુ પોષણ મળે તે માટેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. એક બાળક એક પાલકનું સુત્ર આપવામાં આવ્યું છે. આ અભિયાનમાં બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણ સ્તરમાં વધારો કરવા માટે સમાજના વિવિધ વર્ગોનો સહયોગ લેવામાં આવેલ છે. બાળકોની પોષણ સેવાઓની માહીતી આધુનિક બનાવવામાં આવી છે.

મહિલા અને બાળ વિકાસ કમિશનર કચેરીના ''સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર'' મારફતે સંપર્કનો સેતુ જોડી રોજેરોજની માહિતી, માર્ગદર્શિકા અને તકેદારી રાખવામાં આવી રહેલ છે. તેમજ મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ મારફતે પોષણ કાર્યક્રમોની અમલવારી પર દેખરેખ રાખવામાં આવે છે. આંગણવાડી કાર્યકરોના સ્માર્ટ ફોનમાં તેમના કામ સંબંધિત ઓડિયો/વિડીયો, જાહેરાતો જોડીને તેમની અસરકારતા અને કાર્યદક્ષતા વધારવામાં આવેલ છે. આજનાં આ કાર્યક્રમાં ઉપસ્થિત સર્વે પોષણ ત્રિવેણીને, સર્વે, જનસમુદયાના લોકોને ગુજરાતના દરેક બાળક, દરેક કિશોરી અને દરેક માતાને સુપોષિત બનાવવાના અભિયાનમાં જોડાવા નમ્ર અપીલ કરેલ છે

(3:50 pm IST)