Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

પૂર્વ સૈનિકો અને શહીદોના પરિજનોના ધરણાં-દેખાવો

વળતર, કોન્ટ્રાકટ પ્રથા રદ સહિતની અનેક માંગ : શાહીબાગ શહીદ સ્મારક પાસે પૂર્વે સૈનિકો અને શહીદોના પરિવારજનોની રેલી : ગાંધીનગર કૂચ કરવાનું આયોજન

અમદાવાદ, તા.૨૭ : પ્રજાસત્તાક દિને તા.૨૬મી જાન્યુઆરીે જ શહેરના શાહીબાગ ખાતેના શહીદ સ્મારક પાસે હજારો માજી સૈનિકો અને શહીદ જવાનોના પરિવારજનોએ તેમને યોગ્ય વળતર, કોન્ટ્રાકટ પ્રથા રદ કરવા, ખેતીની જમીન ફાળવવા સહિતની વિવિધ ૧૪ માંગણીઓને લઇ ધરણાં, રેલી અને દેખાવોના આશ્ચર્યજનક કાર્યક્રમો યોજયા હતા અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજય સરકાર સમક્ષ વાંરવાર પોતાની માંગણીઓ સંદર્ભે રજૂઆત કરવા છતાં આજદિન સુધી તે મામલે કોઇ હકારાત્મક નિર્ણય નહી લેવાતાં માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવાજનોએ નોકરી, યોગ્ય વળતર, કોન્ટ્રાકટ પ્રથા રદ કરવા, ખેતીની જમીન તેઓને ફાળવવા સહિતની જુદી જુદી સહિતની ૧૪ માંગણીઓ સાથે ગઇકાલે તા.૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનથી જ આંદોલન પર ઉતર્યા છે. પોતાની માંગણીઓને લઇ માજી સૈેનિકો અને તેમના પરિવારજનોએ શહેરના શાહીબાગ વિસ્તારમાં શહીદ સ્મારક ખાતે હાથમાં બેનરો,

           પ્લેકાર્ડ અને સૂત્રો સાથે વિશાળ રેલી યોજી હતી અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિવારજનોના ધરણાંને લઇ મામલો ગરમાયો હતો. નારાજ માજી સૈનિકો અને તેમના પરિવારજનોએ જણાવ્યું હતુ કે, જયાં સુધી તેઓની ૧૪ માંગણીઓ નહી સંતોષાય ત્યાં સુધી તેમની આ લડત અને આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. બીજીબાજુ, ભાજપના પ્રવકતા આઇ.કે.જાડેજાએ આ મામલે આગામી દિવસોમાં સમાધાનકારી નિર્ણય લાવવાની હૈયાધારણ આપી હતી.

           તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ જયારે તત્કાલીન કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે તેમની સમક્ષ માજી સૈનિકો અને શહીદોના પરિવારજનોની માંગણીઓ બાબતે રજૂઆત કરાઇ હતી અને તેમાંથી કેટલીક હલ પણ કરાઇ હતી. જો કે, તેમછતાં હજુ કોઇ સમસ્યા હશે તો તેનું નિવારણ કરાશે.

(8:39 pm IST)