Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

વાપીના ઉદ્યોગપતિ - ગાંધીવાદી ગફરભાઈ બીલખીયા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત

સાવરકુંડલા પંથકના વતનીએ ગુજરાતનું ગૌરવ વધાર્યુ

વાપી, તા.૨૭ : વાપીના જાણીતા ઉદ્યોગપતિ અને ગાંધીવાદી, સમાજસેવી શ્રી ગફરભાઈ બીલખીયાને પદ્મશ્રી એવોર્ડ આપશે એવી જાહેરાત થતા જ પરીવારના મુસ્લિમ સમુદાય સાહેત વાપી પંથકમાં આનંદની લાગણી ઉદ્દભવી છે.

ભારત સરકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશના કર્મવીરોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. જેમાં આ વખતે વાપીના ગફુરચાચાને આ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે.

સાદગીના સાધક એવા ગફુરભાઈનો જન્મ ૯મી માર્ચ ૧૯૩૫ના રોજ થયો હતો. તેઓ મુળ સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકા સ્થિતિ વડા ગામના વતની છે. તેમણે જન્મ તો સૌરાષ્ટ્રમાં લીધો પરંતુ કર્મભૂમિ બનાવી દક્ષિણ ગુજરાતના વાપીને..

ગફુરભાઈએ અને તેમના ત્રણ પુત્રએ સાથે મળી વાપીમાં અથાગ પુરૂષાર્થ કરી બીલખીયા ગ્રુપનું નામ ગુંજતુ કર્યુ. સમયાંતરે હિન્દુસ્તાન ઈન્કસના નામની ગુંજ માત્ર ભારતમાં જ નહિં વિશ્વના અનેક દેશોમાં ગુંજવા લાગી. આગળ જતા આ કંપનીનંુ નામ માઈક્રોઈન્ક કરવામાં આવ્યુ.

એક રીતે કહીએ તો આ કંપનીએ જાણે વાપીને ખરા અર્થમાં ઓળખ આપી. હવે બીલખામાં ગ્રુપ દ્વારા મેરીલ લાઇફ સાયન્સીસ પ્રા.લી.નામની કંપની હરણફાળ ભરવા આતુર બની છે.

ખાદીને કાયમી અપનાવનાર ગફુરભાઈએ આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો. સામાજીક કાર્યોના પર્યાય સમા ગફુરભાઈ કંપનીના પરીવારમાં 'બાપુજી'ના હુલામણા નામે જાણીતા છે. તો સમાજમાં તેઓ ગફુરચાચાના નામથી એટલા જ પ્રસિદ્ધ છે. ખરેખર શ્રી ગફુરભાઈએ માત્ર સૌરાષ્ટ્ર જ નહિં ગુજરાતનું નામ પણ રોશન કર્યુ છે.

(11:47 am IST)