Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

છેલ્લા એક મહિનામાં બ્રિટનથી અમદાવાદ આવેલા 350 થી વધુ મુસાફરોને શોધી કઢાયા

તમામ મુસાફરોનું સઘન સર્વેલન્સ: એકપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ મળ્યો નથી

અમદાવાદ : લંડનથી અમદાવાદ આવનારા તમામ મુસાફરોનું સઘન સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિ.એ સઘન સર્વેલન્સ કરીને છેલ્લા એક મહિનામાં બ્રિટનથી અમદાવાદ આવેલા 350થી વધુ મુસાફરોને શોધી કાઢયાં હતા અને તેઓની ચકાસણી કરી હતી. જયારે આ તમામ લોકોને હોમ આઈસોલેશનમાં રહેવાની સૂચના આપી છે

 આ સિવાય તમામ મુસાફરોના આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવી હતી જે પૈકી એકપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ મળ્યો નથી જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.જોકે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને તકેદારીના ભાગરૂપે આ સિવાય એટલે કે, 22 ડિસેમ્બરથી પહેલાં એટલે કે, ગત નવેમ્બર મહિનામાં જેટલા મુસાફરો બ્રિટનથી આવ્યા હતા તે તમામના નામ એરલાઇન્સ પાસેથી મેળવ્યા હતા.

 લંડનથી આવેલા તમામ મુસાફરોનો સરવે પણ કરવામાં આવી રહ્યો છે અને તેઓની તપાસ પણ કરવામાં આવી હતી કે, તેઓમાં કોઈ પણ પ્રકારના કોઈ લક્ષણો છે કે નહીં તે તમામ ચકાસણી કરવામાં આવી હતી.અમદાવાદ મ્યુનિ.નો દાવો છે કે, 350 પૈકીના 35થી વધુ મુસાફરો એવા છે કે, જેઓનો હોમ આઇસોલેશનનો પિરિયડ પૂર્ણ થયો નથી જ્યારે અન્ય કેટલાંક મુસાફરોનો હોમ આઇસોલેશનનો સમય પૂર્ણ થયો છે પણ તેને એક અઠવાડિયા જેવો સમય વધારવામાં આવ્યો છે.આ તમામ મુસાફરોને કડક હોમ આઇસોલેશનની સુચના અપાઇ છે.

(11:36 pm IST)