Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સુરતમાં મહિલા PSIના આપઘાત કેસમાં પિતા સાથે સાડાચાર વર્ષના દિકરા સહીત આખો પરિવાર જેલમાં

બાળકને કોર્ટમાં જ ત્રણ વાર પુછવામાં આવ્યું હતું પરતું તેણે પોતાના પિતા સાથે રહેવાની જ વાત કરી

સુરત : મહિલા PSI અમિતાના આપઘાત કેસમાં પોલીસે પિતા,સાસુ,સસરા અને બે નણંદને લાજપોર જેલમાં બંધ કરી દીધા છે. ત્યારે આ કેસમાં નાના ચાર વર્ષના દિકરાએ પોતાના પિતા સાથે જેલમાં રહેવાની જીદ કરી હતી. જેથી કોર્ટે બાળકને કોર્ટમાં જ ત્રણ વાર પુછવામાં આવ્યું હતું પરતું તેણે પોતાના પિતા સાથે રહેવાની જ વાત કરી હતી.

ગત 5 ડિસેમ્બરના રોજ ઉધના પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહેલી મહિલા અમિતા જોશીને પેટએ ગોળી મારી આપઘાત કર્યો હતો. આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના કેસમાં મહિધરપુરા પોલીસે મૃતકના આરોપી પોલીસ પતિ વૈભવ જીતેશ વ્યાસ સહિત સાસરિયાંની ગત 23મી ડિસેમ્બરના રોજ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યાં હતાં. આરોપી સસરા જીતેશ ઉર્ફે જિતુ રતીલાલ વ્યાસ, સાસુ હર્ષાબેન, નણંદો- મનીષાબેન તથા અંકિતાબેનના રિમાન્ડ ન માગતાં જેલ કસ્ટડીમાં મોકલાયાં હતાં, જ્યારે પતિ વૈભવના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા બાદ તેની અવધિ પૂર્ણ થઇ હતી. વૈભવને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ નહી માગી કોર્ટ કસ્ટડીમાં સોંપતો રિપોર્ટ મહિધરપુરા પોલીસના તપાસ અધિકારીને કર્યો હતો

ત્યારે મૃતકના પિતાએ માસૂમ બાળકનો કબ્જો મેળવવા માટે કોર્ટમાં માગ કરી હતી. પિતા સાથે રહેલા માસૂમ બાળકને કોર્ટે પેરિસરમાં કોની સાથે રહેવું છે તે ત્રણ વાર પુછયું હતું. જેથી બાળકે પોતાના પિતા સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કોર્ટે બાળકની કસ્ટડી માગનાર મૃતકના ફરિયાદી પિતાની અરજીને નકારી કાઢી આરોપી પિતા વૈભવ વ્યાસ સાથે માસૂમ બાળકને પણ લાજપોર સેન્ટ્રલ જેલમાં જેલ મેન્યુઅલના નિયમોના પાલન સાથે રાખવા નિર્દેશ આપતો હુકમ કર્યો હતો.

અમિતાના આપઘાત કેસમાં આરોપી પતિને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પુત્ર પણ હતો. તેણે પિતાનો પીછો છોડ્યો જ નહોતો. પોલીસ સ્ટેશનથી તે પિતાની સાથે જ હતો. કોર્ટેમાં જ્યારે તેને કબજો કોને સોંપવો એનો સવાલ આવ્યો ત્યારથી બાળક સતત રડતું જ રહ્યું હતું અને બાળકને રહેવા અંગે પુછાયું ત્યારે પિતાનું નામ લીધું હતું. બાદમાં કોર્ટ રૂમની બહાર જઈ ફરી લવાયો અને તેને ચોકલેટ જોઇએ છે એમ પુછાયું હતું તો બાળકે મારી પાસે બિસ્કિટ છે એમ કહ્યું હતું. બાદ બેવાર પિતાનું જ નામ લીધું હતું.

(11:21 pm IST)