Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સુરત : વાહનચોરી કરતી આંતરરાજ્ય ટોળકીના બે સાગરીત ઝડપાયા: ચોરીની 30 બાઇક કબ્જે કરાયા

સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લોસ્કોડની ટીમે બાઈક ચોર મધ્યપ્રદેશની આંતર રાજ્ય ટોળકીના સાગરીતોને ઝડપ્યા ગુનામાં સંડોવાયેલ 4 શખ્સોને વોંટેડ જાહેર કર્યા

સુરત જિલ્લા એલસીબી તેમજ પેરોલ ફર્લોસ્કોડની ટીમે મોટરસાઇકલ ચોરી કરતી મધ્યપ્રદેશ રાજ્યની આંતરરાજ્ય ગેંગના સાગરીતને ચોરીની બાઇક સાથે કામરેજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. તેમની પૂછતાછ કરતાં તેમણે સુરત શહેર, જિલ્લામાં તેમજ નવસારી જિલ્લામાંથી કુલ 30 જેટલી મોટરસાઇકલની ચોરી કરી હતી અને જે બાઈકો મધ્યપ્રદેશ ખાતે લઈ જઈ સસ્તામાં વેચી દેતા હોય પોલીસે તેમની પાસેથી ચોરીની કુલ 30 બાઇક તેમજ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 7.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર સહિત બે ની અટક કરી આ ગુનામાં સંડોવાયેલ 4 શખ્સોને વોંટેડ જાહેર કર્યા હતા.

    સુરત જિલ્લા એલસીબી તેમજ પેરોલ ફર્લોસ્કોડની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન તેઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે નરેશ કલેશ તથા જેરામ બામણીયા નામના શખ્સો તેમના સાગરીતો સાથે મળી મોટરસાઇકલ ચોરી કરી મધ્યપ્રદેશમાં લઈ જઈ વેચાણ કરે છે. અને આ બંને શખ્સો ચોરી કરેલ નંબર પ્લેટ વગરનું બુલેટ તથા સ્પ્લેંન્ડર બાઇક લઈ વેચાણ કરવા જનાર છે. જે હકીકતના આધારે એલસીબી તેમજ પેરોલ ફર્લોસ્કોડની ટીમે કામરેજ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી હતી.

 દરમ્યાન બાતમી મુજબના બે શખ્સો આવતા તેમને ઝડપી પાડી તેમની પાસેથી કબ્જે કરેલ બાઇક ચોરીની હોવાનું માલૂમ પડ્યું હતું. ચોરીની બાઇક સાથે નરેશભાઈ ગુજરીયા કલેશ (રહે, મોતા ગામ, શ્રીવિલા સોસાયટીના બાંધકામવાળા મકાનમાં, તા-બારડોલી, મૂળ રહે, છોટીઉતાવલી, ખાડાફળિયું, એમ.પી) તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમની પૂછતાછ કરતાં જણાવ્યુ હતું કે મુખ્ય સાગરીત નજરીયા કેન્દ્રીયા તોમર તથા તેના અન્ય સાગરીતો સાથે મળી સુરત શહેર, જિલ્લામાં તથા નવસારી જિલ્લા માંથી અલગ અલગ જગ્યાએ કડિયાકામની મજૂરીકામ માટે આવે ત્યારે રાત્રિના સમયે ત્યાંથી અલગ અલગ મો.સા ચોરી કરેલ છે. અને જે ચોરીની મો.સા મધ્યપ્રદેશમાં લઈ જઈ સસ્તામાં વેચાણ કરેલ છે. તેમજ અડધી મો.સા પોતાના ઘરે મૂકી હોવાનું જણાવ્યુ હતું. જે આધારે પોલીસે આ બનેને સાથે રાખી કુલ 30 જેટલી મો.સા તથા મોબાઈલ ફોન અને રોકડ   મળી કુલ 7.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નજરીયા તોમર (રહે, અલીરાજપૂર, મધ્યપ્રદેશ), દિનેશ મસાનીયા (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ), સુનિલ તોમર (રહે, અલીરાજપૂર, મધ્યપ્રદેશ) અને કાદુ ચૌહાણ (રહે, અલીરાજપૂર, મધ્યપ્રદેશ) ને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:06 pm IST)