Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ગાંધીનગરમાં સે-5માં પીવાની પાણીની સમસ્યા સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

ગાંધીનગર:શહેરમાં ભરશિયાળે પીવાના પાણી માટે બુમરાણ મચી રહી છે ત્યારે સ્થાનિક રહિશોને પુરતું પાણી મળી શકે તે માટે ટેન્કરો મંગાવવાની નોબત આવી છે. સેક્ટર-/બીમાં છેલ્લા બે મહિનાથી પુરતાં પ્રેસરથી પાણી નહીં મળતી શકતાં રહિશોને હેરાન પરેશાન થવું પડે છે. ત્યારે સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો પાણી પુરવઠાની કચેરી ખાતે માટલા સરઘસ કાઢીને બહેનો રોષ પ્રગટ કરશે.

રાજ્યના પાટનગરમાં પીવાનું પાણી પુરતું મળી શકે તે માટે થોડા સમય અગાઉ નવી પાઇપલાઇનો પણ નાંખવામાં આવી હતી. તો બીજી તરફ શહેરનો વિસ્તાર વધતાં નવી પાણીની ટાંકી પણ બનાવવામાં આવી છે. જેથી નગરજનોને પુરતાં પ્રમાણમાં પાણી મળી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઘણા સેક્ટરોમાં ઉનાળાની મોસમમાં તો પીવાના પાણીની બુમરાણ મચે છે પરંતુ હાલમાં શિયાળાની સિઝન ચાલી રહી છે તેમાં પણ જે વિસ્તારમાં પાણીનું વિતરણ કરી શકાય તે માટે ઉભી કરવામાં આવેલી પાણીની ટાંકીની આસપાસ આવેલાં વસાહતી વિસ્તારમાં પુરતાં પ્રેસરથી પાણી આપવામાં તંત્ર પાણીમાં બેસી ગયું હોય તેમ છેલ્લા બે મહિનાથી સ્થાનિક રહિશો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યાં છે. પ્રાથમિક જરૃરીયાત ગણાતું પાણી પુરતાં પ્રેસરથી નહીં મળતાં વિસ્તારોમાં લોકોને જરૃરીયાત પુરતું પાણી પણ મળતી શકતું નથી. જે અંગે સેક્ટર-૫ના વસાહત મંડળ દ્વારા પણ ઉચ્ચકક્ષાએ અવાર નવાર રજુઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં રોષ પણ ઉભો થયો છે. હાલમાં રહિશોને પાણીના ટેન્કરો મંગાવવાની નોબત આવી છે. ભર શિયાળામાં પાણીની બુમરાણ મચતાં રોષે ભરાયેલી બહેનોએ પણ તંત્રની ઢીલી નીતિ સામે રોષ પ્રગટ કર્યો છે. 

(5:57 pm IST)