Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

અમદાવાદમાં પોલીસે જ પોલીસ સામે ફરિયાદ નોંધાવી

બદલી થતાં કોન્સ્ટેબલ રજા ઉપર ઉતરી ગયાઃ આદેશને અવગણતા થઇ પોલીસ ફરિયાદ

વારંવાર હાજર થવા નોટીસ પણ હાજર થતાં ન્હોતાં : હવે કડક પગલું

અમદાવાદ,તા.૨૬ : કોઈ ગુનો બને, કોઈ દુર્ઘટના સર્જાય તે અંગે પોલીસને જાણ કરવામાં આવતી હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાં એવી ઘટના બની છે કે પોલીસે જ પોલીસ સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટના A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ પીબી ખાભલાએ તેમના જ હાથ નીચે કામ કરતા કોન્સ્ટેબલ સામે નોંધાવી છે. ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે, રાણજીતસિંહ પોતાની મરજી પડે ત્યારે રજા પર ઉતરી જાય છે, તેમને આ અંગે ૪ વખત નોટિસ પણ પાઠવવામાં આવી છે. જોકે, આમ છતાં તેઓ તરફથી કોઈ યોગ્ય જવાબ ના મળતા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ચર્ચા એવી પણ છે કે કોન્સ્ટેબલની બદલી થઈ છે જે તેમને માફક નથી આવી રહી, જેના કારણે તેઓ રજા પર ઉતરી જાય છે.

 રણજીતસિંહની જે પોલીસ સ્ટેશનમાં બદલી થઈ છે ત્યાં પીબી ખાભલા ફરજ બજાવે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ રણજીતસિંહને વારંવાર પોલીસ વિભાગમાંથી જાણ કરવા છતાં તેઓ હાજર નહોતા થતાં આ પછી તેમની સામે પીઆઈએ જ ફરિયાદ નોંધાવી દીધી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે કોન્સ્ટેબલ તેમની મરજી પ્રમાણે રજા પર ઉતરી જાય છે.

 રિપોર્ટ્સ મુજબ કોન્સ્ટેબલ રણજીતસિંહની ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાંથી એ ડિવિઝનમાં ટ્રાફિક પોલીસમાં થઈ હતી અને તેમને પોઈન્ટ પર ડ્યુટી આપવામાં આવી હતી. જોકે, રણજીતસિંહ પોતાને સોંપવામાં આવેલી ફરજ પ્રમાણે કામ કરવાના બદલે પોતાની ઈચ્છા પ્રમાણે રજા પર ઉતરી જતા હતા. આ દરમિયાન તેઓ રજા પર ઉતરવા અંગેનું કારણ પણ રજૂ નહોતા કરતા, એટલે કે તેમનું રજા લેવાનું કારણ બીમારી છે કે શું છે તે અંગે તેઓ રજૂઆત નહોતા કરતા, આ પછી તેમને જવાબ રજૂ કરવા માટે નોટિસો મોકલ્યા પછી પણ કોઈ જવાબ ના મળતા નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પીઆઈએ સોલા પોલીસ સ્ટેશનમાં જીપીએ 142 (2) (a) પ્રમાણે ફરિયાદ કરીને પગલા ભર્યા છે.

રણજીતસિંહ સિનિયર પોલીસકર્મી છે, જેમની ૧૯૯૨માં પોલીસ વિભાગમાં ભરતી થઈ હતી. પરંતુ તેમની ઓગસ્ટ મહિનામાં તેમની બદલી દ્યાટલોડિયા પોલીસ સ્ટેશનથી ટ્રાફિક પોલીસમાં કરવામાં આવી હતી. જે બાદ તેઓ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા હોવાનું માલુમ પડતા તેમને નોટિસો મોકલ્યા બાદ તેમની સામે પીઆઈએ પોતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ચર્ચા એવી પણ છે કે રણજીતસિંહને પોલીસ સ્ટેશનમાં નોકરી કર્યા બાદ ટ્રાફિક પોલીસ તરીકે ડ્યુટી સોંપવામાં આવી હતી જે તેમને માફક નહોતી આવી જેના લીધે તેઓ રજા પર ઉતરી ગયા.

(3:28 pm IST)