Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

લીલા શાકભાજીની સાથે ડુંગળી-બટેટાના ભાવો પણ ઘટ્યા : કિલોએ ૧૦ થી ર૦ રૂ. તૂટ્યા

છુટકમાં ડુંગળી એક કિલોના ભાવ પ૦ થી ૬૦ હતા તે ઘટીને ૩૦ થી ૪૦ રૂ. અને બટેટાના ભાવ ૩૦ થી ૪૦ રૂ. હતા તે ર૦ થી ૩૦ રૂ. થઇ ગયા

રાજકોટ, તા. ર૪ :  શિયાળાની ઠંડી ઋતુમાં લીલા શાકભાજીની પુષ્કળ આવકોના પગલે ભાવ ઘટવાની સાથે ડુંગળી અને બટેટાના ભાવો પણ ઘટતા ગૃહિણીઓમાં હાશકારો થયો છે.

ડુંગળી અને બટેટાના ભાવો થોડા સમય પૂર્વે આસમાને પહોંચતા ગૃહિણીઓઅમાં દેકારો બોલી ગયો હતો. એક તબક્કે બટેટા એક કિલોના ભાવ પપ થી ૬૦ રૂ. અને ડુંગળી એક કિલોના ભાવ ૭૦ થી ૮૦ રૂ. થઇ ગયા હતા. ડુંગળીના ભાવો આસમાને પહોંચતા સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મુકતા ભાવો વધતા અટકી ગયા હતા. જયારે બટેટામાં નવા પાકની આવકો શરૂ થતા કમશ ભાવો ઘટી રહ્યા છે.

રાજકોટ યાર્ડમાં આજે બટેટા (ર૦ કિલો) ના ભાવ ૪૦૦ થી ૪પ૦ રૂ. રહ્યા હતા. અગાઉ બટેટા (ર૦ કિલો) ના ભાવ ૬૦૦ થી ૭૦૦ રૂ. હતા તે ઘટીને ૪૦૦ થી ૪પ૦ રૂ. થઇ ગયા છે. છુટકમાં બટેટા એકકિલોના ભાવ ૩૦ થી ૪૦ રૂ. હતા તે ઘટીને ર૦ થી ૩૦ રૂ. થઇ ગયા છે. યાર્ડના વેપારી પ્રફુલભાઇ રંગાણીના જણાવ્યા મુજબ લીલા શાકભાજીની પુષ્કળ આવકના પગલે ભાવો પંજાબના જલંધરમાંથી નવા બટાટાની આવકો શરૂ થઇ જતા બટેટાના ભાવો ઘટયા છે. આગામી  દિવસોમાં બટેટાની આવકો વધતા હજુ પણ ભાવો ઘટે તેવી શકયતા છે.

બટેટાની સાથે ડુંગળીના ભાવો પણ તૂટી રહ્યા છે. રાજકોટ યાર્ડમાં આજે ડુંગળી (ર૦ કિલો) ના ભાવ ર૬૦ થી ૪પ૦ રૂ. રહ્યા હતા. અગાઉ ડુંગળી (ર૦ કિલો)ના ભાવ પપ૦ થી ૭૦૦ રૂ. હતા. જે ઘટીને ર૬૦ થી ૪પ૦ રૂ. થઇ ગયા છે. છુટકમાં ડુંગળી એક કિલોના ભાવ પ૦ થી ૬૦ રૂ. હતા. તે ઘટીને ૩૦ થી ૪૦ રૂ. થઇ ગયા છે. આગામી દિવસોમાં નવી ડુંગળીના આવકો વધતા ડુંગળીના ભાવો પણ ઘટે તેવી શકયતા છે.

અત્રે એ નોંધનીય છે કે, રાજકોટ યાર્ડમાં પુષ્કળ આવકોના પગલે લીલા શાકભાજીના ભાવો ઘટી ગયા છે. હોલસેલમાં લીલા શાકભાજી એક કિલો ૧૦ થી ર૦ રૂ.માં વેચાઇ છે. જો કે, છુટકમાં લીલા શાકભાજીના મનફાવે તેવા ભાવ લેવાઇ છે. લીલા શાકભાજીની સાથે ડુંગળી-બટેટાના ભાવો ઘટતા ગૃહિણીઓમાં રાહત ફેલાઇ છે.

(2:39 pm IST)