Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

મુદતમાં વર્ષનો વધારો કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત

સરકારના સનદી અધિકારીઓની મુદ્દતનો મામલોઃ મામલે હાલ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે : રિપોર્ટ

અમદાવાદ, તા.૨૬, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકારમાંથી નિમણૂંક આપવામાં આવેલા સનદી અધિકારીઓની મુદતમાં ફરી વખત એક વર્ષનો વધારો કરવા ગુરૂવારના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવેલી દરખાસ્તને પગલે આગામી સમયમાં આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં આ વર્ષે જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરમાં વણસેલી પરિસ્થિતિની વચ્ચે મ્યુનિસિપલ તંત્રમાં અનુભવી અધિકારીઓની ઘટ દુર કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજય સરકાર સમક્ષ અધિકારીઓની માગણી કરવામા આવી હતી.જેને પગલે રાજય સરકાર દ્વારા ખેડા-નડીયાદ ખાતે ડી.ડી.ઓ તરીકે ફરજ બજાવતા જી.એ.એસ.એવા એમ.એન.ગઢવી અને જામનગર ખાતે રેસીડેન્ટ કલેકટર તરીકે ફરજ બજાવી રહેલા એવા કે.બી.ઠકકરને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ડેપ્યુટેશન ઉપર મુકયા હતા.શરૂઆતમાં આ બંનેને ત્રણ માસ માટે મુકવામા આવ્યા હતા.આ મામલે પૂર્વ વિપક્ષનેતા અને કોંગ્રેસના કોર્પોરેટર બદ્દરૂદીન શેખ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટપીટીશન પણ કરવામાં આવેલી છે.

હાલ આ નિમણૂંક મામલે કાયદાકીય પ્રક્રીયા ચાલી રહી હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુરૂવારના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ બંને અધિકારીઓની મુદતમાં વધુ એક વર્ષનો વધારો કરવા અંગે દરખાસ્ત રજુ કરવામાં આવતા આગામી સમયમાં આ મામલે વિવાદ વધુ વકરશે અને મ્યુનિસિપલ કોર્પોરેશનને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે એમ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

(9:37 pm IST)