Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

રોશનીથી કાંકરિયા લેકફ્રન્ટ શણગારાયું : લોકો ઉમટ્યા

કાંકરિયા કાર્નિવલની પહેલા દિવસથી જમાવટઃ શહેરના અન્ય વિસ્તારોમાં પણ મ્યુનિ.તંત્ર દ્વારા રંગારંગ કાર્યક્રમોનું આયોજન ,અમદાવાદીમાં ઉત્સવ જેવો માહોલ

અમદાવાદ, તા.૨૬, અમદાવાદ શહેરના કાંકરીયા ખાતે સતત ૧૦મા વર્ષે ગઈકાલથી શરૂ કરવામાં આવેલા કાંકરીયા કાર્નિવલની એક ઝલક માણવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં કાંકરીયાલેક ખાતે ઉમટી પડ્યા હતા.આ સાથે જ કાર્નિવલમાં સૌ પ્રથમ વખત કાંકરીયા લેકના સમગ્ર વિસ્તારને ફોરલેયર રોશનીથી શણગારવામાં આવતા કાંકરીયાની રોનકમાં ઘણો વધારો જોવા મળ્યો હતો.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરના કાંકરીયા લેકફ્રંટ ખાતે વર્ષ-૨૦૦૭થી દર વર્ષે ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમિયાન કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.આ વર્ષે સતત ૧૦મા વર્ષે પણ સોમવારના રોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કાર્નિવલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે સૌ પ્રથમ વખત કાંકરીયા લેક ફ્રંટના સમગ્ર વિસ્તારને ફોર લેયર રોશનીથી શણગારવામાં આવ્યો છે.કાંકરીયા બહારના એપ્રોચ રોડની સાથે અંદરનો વોક-વે તળાવના પગથિયા અને નગીનાવાડીને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે.કાંકરીયા ખાતે પહેલા જ દિવસથી શહેરીજનો કાર્નિવલને માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે સૌ પ્રથમ વખત લાઈટશોનું આયોજન કર્યુ છે આ ઉપરાંત અમે અમદાવાદી એ શીર્ષક સાથે ૭૦ મિનીટનું ઓડિયોવિઝયુઅલ પ્રેઝન્ટેશન પણ લોકો સમક્ષ રજુ કરવામાં આવ્યુ હતુ આ પ્રેઝન્ટેશનમાં ૧૨૫થી વધુ કલાકારો દ્વારા ભાગ લેવામા આવ્યો છે.આ પ્રેઝન્ટેશનને નિહાળવા પણ લોકોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે સતત ૧૦મા વર્ષે સોમવારથી શરૂ કરવામાં આવેલા કાંકરીયા કાર્નિવલને બહોળી પ્રસિધ્ધિ મળી રહે એ હેતુથી સૌ પ્રથમ વખત સોશીયલ મિડીયાનો ઉપયોગ કરીને કાંકરીયા કાર્નિવલના કેટલાક કાર્યક્રમો ઉપરાંત શહેરના ભદ્ર વિસ્તારમાં આયોજીત કરવામાં આવેલા બીજા દિવસના કાર્યક્રમોને લાઈવ પણ રજુ કરવામાં આવ્યા હતા.જેમાં ફેસબુક ઉપર કાંકરીયાના કાર્યક્રમોની સાથે શહેરના ભદ્ર વિસ્તારમાં આયોજીત કરવામાં આવેલા પાર્થ અને સંજય ઓઝાના ગીત-સંગીતના કાર્યક્રમોને લાઈવ રજુ કરવામાં આવ્યા હતા.અત્રે નોંધનીય છે કે,સોમવારના રોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કાર્નિવલને ખુલ્લો મુકવામાં આવ્યો તે અગાઉ કાંકરીયા ખાતે રૂપિયા ૧૪ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નોકટરનલ ઝૂને ખુલ્લુ મુકયુ હતુ.અમદાવાદ શહેરમાં આ પ્રકારનુ આ પહેલુ ઝુ છે કે જ્યાં નિશાચર પ્રાણીઓને રાખવામાં આવ્યા છે.આ ઝુમાં પણ પહેલા દિવસે શહેરીજનોએ મોટીસંખ્યામા જોવા માટે રસ બતાવ્યો હતો.

(9:37 pm IST)