Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

પ્રજાના પ્રશ્નો તેમજ સમસ્યા ઉકેલી રાહત આપે તે અપેક્ષા

કોંગ્રેસ પાર્ટીએ રૂપાણી સરકારને શુભેચ્છા પાઠવીઃ શંકરસિંહે ભાજપ સરકારને શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા

અમદાવાદ, તા.૨૬, ભાજપની નવી સરકારની રચના અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત નવા પ્રધાનમંડળના શપથવિધિ સમારોહ સંપન્ન થયા બાદ કોંગ્રેસ પક્ષ તરફથી પણ ખેલદિલી દાખવી રૂપાણી સરકારને શુભેચ્છા-અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ વિજય રૂપાણીની નવી સરકારને કોંગ્રેસ પક્ષ તરફથી શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા અને સાથે સાથે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર હવે સત્તામાં બેસી પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ સત્વરે ઉકેલી તેઓને રાહત આપે તે જ અપેક્ષા છે. લોકો તેમના પ્રશ્નોના સત્વરે નિરાકરણની રાહ જોઇને બેઠા છે, ત્યારે ભાજપની નવી સરકારે લોકહિતના કાર્યોમાં અસરકારક કામ કરી બતાવવું જોઇએ એવી આશા પણ તેમણે વ્યકત કરી હતી. કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે, ભાજપની નવી સરકાર ખેડૂતોના પ્રશ્નો ઉકેલશે, વિદ્યાર્થીઓને પોષાય તેવા દરે શિક્ષણ આપશે અને રાજયમાં મોંઘવારી ઘટાડશે તે સહિત રાજયના પ્રજાજનોના જે કોઇ પ્રશ્નો કે સમસ્યાઓ હોય તેનો સત્વરે નિકાલ લાવી લોકોને આ સરકાર રાહત પહોંચાડશે. ડો.દોશીએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો પણ વિધાનસભા ગૃહમાં સરકારને તેની જવાબદારી અને ફરજો નિભાવવા પરત્વે અવગત કરાવતા રહેશે. કોંગ્રેસની પ્રજાલક્ષી માંગણીઓ મુદ્દે સરકારનો હકારાત્મક સહકાર મળી રહેશે તેવી પણ તેમણે આશા વ્યકત કરી હતી. દરમ્યાન કોંગ્રેસ સાથે છેડો ફાડી જન વિકલ્પ પાર્ટીનો નવો મોરચો ખોલનાર શંકરસિંહ વાઘેલાએ તો આજે ભાજપની નવી સરકારના શપથવિધિ સમારોહમાં ખાસ હાજરી આપી હતી એટલું જ નહી, તેમની વડાપ્રધાન મોદી સાથેની મંચ પરની મુલાકાત સૌથી નોંધનીય બની રહી હતી. નવી સરકારના શપથવિધિ સમારોહ બાદ શંકરસિંહ વાઘેલાએ પણ ભાજપ સરકારને શુભેચ્છા -અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, પ્રધાનંડળમાં સૌ સમાજને સરખો ન્યાય આપવામાં આવ્યો છે, તે વાતનો આનંદ છે. આશા છે કે, ભાજપની નવી સરકાર લોકહિતના કાર્યો કરી તેમની સમસ્યાઓ અને દુઃખોનું સત્વરે નિવારણ લાવશે. વાઘેલાએ ભાજપ સરકારના સત્તા સુકાનની પ્રશંસા પણ કરી હતી.

(9:37 pm IST)