Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

બંગલા નં-૨૬માં જે રહે છે તે યોગાનુયોગ મુખ્યમંત્રી બને છે

બંગલા નં-૨૬ આજે પણ શુકનિયાળ મનાય છેઃ મોદીએ મુખ્યપ્રધાન બન્યા પછી હકીકત ધ્યાન પર આવતાં ૨૬ નંબરના બંગલાને સીએમના નિવાસમાં ફેરવી દીધો

અમદાવાદ, તા.૨૬, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ z}પાણીએ આજે વિધિવત્ શપથ ગ્રહણ કર્યા ત્યારે સ્વાભાવિક છે કે, મુખ્યમંત્રી નિવાસની ચર્ચા પણ એટલી જ મહત્વની હોય. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં મંત્રીમંડળ નિવાસમાં આવેલો ૨૬ નંબરનો બંગલો આમ તો સ્પેશ્યલ ૨૬ જેવો અતિશુકનિયાળ અને જબરદસ્ત ફાયદાકારક સાબિત થયો છે. માધવસિંહ સોલંકીથી માંડીને શંકરસિંહ વાઘેલા સુધીની સરકારોમાં આ બંગલામાં રહેનાર મંત્રીઓ મુખ્યમંત્રીના પદ સુધી પહોંચી ગયા હતા અને વૈભવી તેમ જ પ્રતિષ્ઠાભર્યા જીવનના સોનેરી અવસરને પામી શકયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે બીજીવાર રાજયના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ગુજરાતની સરકાર રાજયના પાટનગર ગાંધીનગરમાં બેસીને સમગ્ર રાજયનો વહીવટ અને સંચાલન કરતી હોય છે અને તેથી તેના માટે ખાસ પ્રકારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ અને મંત્રીઓના આવાસો બનાવવામાં આવ્યા છે. તો ધારાસભ્યો માટે કવાર્ટ્સની પણ સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ સરકારના મંત્રીઓથી માંડી તેમના મંત્રાલય, સચિવાલયના પદાધિકારીઓ સહિતના રાજકીય વર્તુળમાં એક એવી માન્યતા મજબૂત રીતે માનસપટ પર અંકિત થઇ ગઇ છે કે, રાજય સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પછીના બીજા નંબરના પ્રધાન જો આ ૨૬ નંબરના બંગલામાં રહે તો, તેમને મુખ્યમંત્રી પદનો જેકપોટ લાગી શકે છે. તમને સાંભળીને કદાચ આશ્ચર્ય લાગશે પરંતુ ગુજરાતનો પાછલો ભૂતકાળ અને ઇતિહાસ તો કંઇક આવો જ ઇશારો કરે છે. વર્ષો પહેલાં જયારે રાજયના મુખ્યમંત્રી પદે માધવસિંહ સોલંકી હતા, તેમના પછી સેકન્ડ ઇન કમાન્ડ અમરસિંહ ચૌધરી હતા. અમરસિંહને રહેવા માટે ૨૬ નંબરનો બંગલો ફાળવાયો હતો અને એ પછી તેઓ મુખ્યમંત્રી બની શકયા હતા. દરમ્યાન ચીમનભાઇ પટેલની સરાકરમાં છબીલદાસ મહેતા ૨૬ નંબરના બંગલામાં રહેતા હતા અને ચીમનભાઇનું નિધન થતાં છબીલદાસને પણ મુખ્યમંત્રી પદની લોટરી લાગી હતી. ત્યારબાદ કેશુબાપાની સરકાર વખતે તેમના કાર્યકાળ દરમ્યાન સુરેશ મહેતાને પણ આ જ ૨૬ નંબરનો બંગલો ફાળવાયો હતો. તો, સુરેશ મહેતા પણ મુખ્યમંત્રીપદને પામ્યા હતા અને તેમને પણ સોનેરી અવસર પ્રાપ્ત થયો હતો.

એ પછી બળવો કરીને મુખ્યમંત્રી બનેલા શંકરસિંહ વાઘેલાએ પણ પોતાના કાર્યકાળ વખતે દિલીપ પરીખને આ બંગલો રહેવા ફાળવ્યો હતો તો, દિલીપ પરીખને પણ થોડા મહિનાઓ માટે મુખ્યમંત્રીપદની ગાદી મળી હતી. જો કે, ૨૦૦૧માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે તેમના ધ્યાનમાં આ લકી જેકપોટ એવા સ્પેશ્યલ ૨૬ની કહાની ધ્યાનમાં આવતાં તેમણે આ બંગલો કોઇને રહેવા આપ્યો ન હતો અને ૨૬ નંબરના બંગલાને મુખ્યમંત્રી નિવાસમાં તબદિલ કરી દીધો હતો. આમ, ગાંધીનગરના ૨૬ નંબરના બંગલાનો યોગાનુયોગ અને ઇતિહાસ રાજયના મુખ્યમંત્રી પદ સાથે જોડાયેલો છે.

(9:36 pm IST)