Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

રૂપાણીના કાફલાને અકસ્માતઃ જો કે કોઇ જાનહાની નથી

અમદાવાદ, તા.૨૬ : ભાજપની નવી સરકાર અને પ્રધાનમંડળનો શપથવિધિ સમારોહ ગાંધીનગરમાં સંપન્ન થયા બાદ વીઆઇપી અને વીવીઆઇપી મહાનુભાવો રવાના થઇ ગયા હતા, જેને લઇ અમદાવાદ એરપોર્ટ ફરી એકવાર આજે મોંઘેરા મહેમાનોની ચહલપહલથી ધમધમી ઉઠયુ હતું. દરમ્યાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઇન્દિરાબ્રીજ સરણીયાવાસ પાસેથી ક્રોસ થઇ રહ્યો હતો ત્યારે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કોન્વોયના કાફલાની એક કારે અચાનક ઇમરજન્સી બ્રેક અચાનક મારતાં પાછળ આવતી કોન્વોયની ચાર ગાડીઓ એકબીજા સાથે ધડાકાભેર અથડાઇ હતી. જો કે, આ અકસ્માતમાં સદ્ભાગ્યે કોઇ મહાનુભાવને ઇજા થઇ ન હતી. જો કે, સીએમના કોન્વોયના કાફલાની કારને અકસ્માતની ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપ સરકારના શપથવિધિ સમારોહમાં હાજરી આપ્યા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના કોન્વોય સાથે એરપોર્ટ તરફ રવાના થયા હતા. એ વખતે ઇન્દિરાબ્રીજ સરણીયાવાસ પાસેથી યોગી આદિત્યનાથનો કાફલો પૂરપાટ ઝડપે ક્રોસ થઇ રહ્યો હતો બરાબર એ જ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાફલો વડાપ્રધાનને એરપોર્ટ ઉતારી પરત આવી રહ્યો હતો ત્યારે યોગીના કાફલાને પહેલા જવા દેવાની પ્રક્રિયામાં મીસકોમ્યુનીકેશન થતાં મુખ્યમંત્રીના કોન્વોયની કારના ડ્રાયવરે અચાનક ઇમરજન્સી બ્રેક મારી હતી, જેના કારણે પાછળ આવતી કોન્વોયની એન્ય કારો પણ એકબીજા સાથે અથડાઇ હતી. જો કે, આ અકસ્માતમાં કોઇને ઇજા પહોંચી ન હતી, તેથી સુરક્ષા કાફલાના જવાનોએ પણ રાહતનો દમ લીધો હતો. જો કે, સીએમના કાફલાને અકસ્માત નડયાની ઘટનાને પગલે ભારે ચકચાર  મચી ગઇ હતી.

(7:44 pm IST)