Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ટમેટા સસ્તા થઇ ગયા

ભાવમાં એક જ મહિનામાં ૬૦ ટકા ઘટાડો

અમદાવાદ તા. ૨૬ : શહેરમાં એક મહિના પહેલાં ૫૦થી ૬૦ રૂપિયે કિલોના ભાવે વેચાતાં ટામેટાંના ભાવ હાલ ઘટીને રૂ. ૧૫થી ૨૦ની સપાટીએ પહોંચી ગયા છે. એટલું જ નહીં શહેરના કાલુપુર અને જમાલપુરના હોલસેલ બજારમાં ટામેટાં ૧૦થી ૧૫ રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે.

ઠંડીનો પારો વધુ નીચો જતાં પાક બગડવાની શકયતાઓ પાછળ અપેક્ષા મુજબના ભાવ નહીં મળી શકે તેવા સેન્ટિમેન્ટ પાછળ બજારમાં આવક વધતાં ટામેટાંના ભાવમાં માત્ર એક જ મહિનામાં રૂ. ૪૦થી પણ વધુનો ઘટાડો જોવાઇ ચૂકયો છે.

એક મહિના પૂર્વે કર્ણાટક તથા દક્ષિણનાં રાજયોમાં પડેલા વરસાદના કારણે આવક ઘટતાં તથા પાકને નુકસાન થવાના કારણે ટામેટાંના ભાવમાં ઝડપી ઉછાળો નોંધાયો હતો અને એક તબક્કે ગુજરાત સહિત દેશભરના મોટા ભાગનાં રાજયોમાં રૂ. ૪૦થી ૬૦ની સપાટીએ ભાવ પહોંચી ગયા હતા, પરંતુ નાસિક બાજુથી આવકમાં વધારો થતાં ટામેટાંના ભાવમાં વધારો અટકેલો જોવા મળ્યો છે અને માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં ટામેટાંના ભાવ ૧૫થી ૨૦ રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે એટલું જ નહીં હોલસેલ બજારમાં રૂ. ૧૨થી ૧૫ના ભાવે જોવા મળી રહ્યા છે.

માર્કેટયાર્ડના વેપારીના જણાવ્યા પ્રમાણે ટામેટાંની પુષ્કળ આવક છે તથા તેની સામે ઉપાડ ઓછો છે અને ઠંડીનો પારો વધુ નીચે જવાની શકયતા પાછળ ખેડૂતો માલ બજારમાં ઠાલવી રહ્યા છે, જેના પગલે આગામી દિવસોમાં ભાવ ઘટીને રૂ. ૧૦થી ૧૨ની સપાટીએ છૂટકમાં જોવા મળે તેવી શકયતા જોવાય છે.(૨૧.૬)

(6:54 pm IST)