Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

મેવાણીની મોદીને ચેલેન્જ

હાર્દિક સામે ચૂંટણી જીતી બતાવો

જો તેઓ હાર્દિક સામે જીતી જાય તો હું જાહેર જીવન છોડી દઇશ

નવી દિલ્હી તા. ૨૬ : ગુજરાતના યુવા દલિત નેતા જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓપન ચેલેન્જ આપી છે. પહેલી વાર વિધાનસભાની ચૂંટણી જીતેલા જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે, 'વડાપ્રધાન આગામી લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલ સામે ચૂંટણી જીતીને બતાવે, તો હું રાજકારણ છોડી દઈશ.' અમારી સાથી ચેનલ 'ટાઇમ્સ નાઉ'એ ગુજરાતના ત્રણ યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી સાથે વાતચીત કરી હતી. ત્રણેયને ગુજરાત વિધાનસભા ચૂંટણીથી લઈને તેમનાં ભાવિ રાજકારણ વિશે તેમની યોજનાઓ પૂછવામાં આવી હતી.

ત્રણેય યુવાનોએ કહ્યું કે, 'ગુજરાતની ચૂંટણી તો એક શરૂઆત છે. અમે દેશભરમાં જઈશું. અમે દરેક જગ્યાએ ભાજપ જેવી ફાસીવાદી તાકાતો વિરુદ્ઘ પ્રચાર કરીશું.' તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું તમને લાગે છે કે, તમે વડાપ્રધાન પર ભારે પડશો? આ સવાલના જવાબમાં જિગ્નેશે વડાપ્રધાન મોદીને ઓપન ચેલેન્જ આપતા એક મોટી જાહેરાત કરી દીધી.

જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, 'હું દાવો કરું છું કે, વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી હાર્દિક પટેલ સામે લડીને બતાવે. જો તેઓ હાર્દિક સામે જીતી જાય તો હું જાહેર જીવન છોડી દઈશ.' (૨૧.૫)

(9:22 am IST)