Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ટેક્સ્ટાઇલમાં GST 5 ટકાથી વધારી 12 ટકાના નિર્ણયનો અમલ થશે તો મરણતોલ ફટકો પડશે

આ નિર્ણય અંગે ફેર વિચારણા કરવા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે

ગાંધીનગર: કોરોના મહામારીને કારણે અનેક ઈન્ડસ્ટ્રીઓને કમરતોડ ફટકો પડ્યો છે, જેમાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે. આવા વિપરીત સંજોગોમાં જો સરકાર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રી પર જીએસટીનું ભારણ 5 ટકાથી વધારીને 12 ટકા કરવાના નિર્ણયનો અમલ કરશે તો આ ઈન્ડસ્ટ્રીને મરણતોલ ફટકો વાગશે તે નિશ્ચિત છે. જેથી આ નિર્ણય અંગે ફેર વિચારણા કરવા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જ્યેન્દ્ર તન્નાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ભારત સરકારે રેડીમેડ કાપડ અને દરેક પ્રકારની ટેક્સટાઇલ પેદાશ પર લાગતા 5 ટકા જીએસટીને વધારીને 12 ટકા કરવાનો જે નિર્ણય લીધો છે તે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અનેક નાના-મોટા વેપારીઓની રોજી છીનવી લેશે. ગુજરાતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી લાખો સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ કારીગરોને રોજગારી પૂરી પાડે છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતની 35થી 40 ટકા જેટલી વસ્તી ની આજીવિકા સીધી કે આડકતરી રીતે ટેક્સટાઇલ સંલગ્ન છે, જેમની રોજગારી ને અસર થાય તેમ છે.

દેશની કુલ નિકાસમાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીનો 10 ટકા જેટલો ઊંચો ફાળો છે. સરકારના નિર્ણયને કારણે કાપડની કિંમતમાં તોતિંગ વધારો ઝીંકાશે, જે હાલ વેપારી કે ગ્રાહકો બંનેમાંથી કોઈ જીરવી શકે તેમ નથી.

તેમણે જણાવ્યું છે કે, દેશનું અર્થતંત્ર હજુ પણ કોરોનાની અસરમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યું નથી. દેશમાં બેરોજગારીમાં વધારો થયો છે, અનેક લોકો અગાઉ કરતા ઓછા પગારે કામ કરી રહ્યા છે. આવા સંજોગોમાં હજુ પણ લોકોની ખરીદશક્તિ નબળી જ છે. આવામાં કપડા જેવી પાયાની જરૂરિયાત પર જીએસટી લાદી દેવામાં આવશે તો તે ગ્રાહકોને ખરીદી કરવા નિરાશ કરશે. બીજું, જો વેપારી આ ટેક્સનું ભારણ ખમી જાય તો તેના સામાન્ય નફાના ધોરણમાં વધારે ઘટાડો થશે. પરિણામે ઘણા વેપારીઓને ધધો સંકેલી લેવાની નોબત આવશે અને બેરોજગારીમાં પણ વધારો થશે.

જ્યેન્દ્ર તન્નાએ વધુમાં જણાવ્યું છે કે, ટેક્સટાઈલ સેક્ટરમાં માલ રિટર્ન કરવાનું પ્રચલિત ચલણ છે. આવામાં 5 ટકા જીએસટી સાથે માલ ખરીદ્યો હોય અને તે જાન્યુઆરી પછી રિટર્ન કરવા માટે વેપારીને 12 ટકા ટેક્સ ચૂકવવો પડશે જે સદંતર અયોગ્ય છે. આ નિર્ણય અંગે છેલ્લા દોઢેક મહિનાથી ચર્ચા-વિચારણા ચાલતી હતી. ઘણા માલેતુજાર વેપારીઓએ 5 ટકા જીએસટી સાથે મોટા પાયે માલ ખરીદી લીધો છે.

એ જ માલ બીજા વેપારીઓ સુધી પહોંચશે ત્યારે તેના પર જીએસટી 12 ટકા થઈ જશે. સરકાર દ્વારા ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતો કે વેપારીઓને વિશ્વાસમાં લેવાની આવશ્યકતા છે એકપક્ષી રીતે અધિકારીઓ નિર્ણય કરે ત્યારે વેપાર-ધંધામાં કેટલા વિશાળ પાયે ગૂંચવાડો ઊભો થાય છે તેનું આ નાનું ઉદાહરણ છે.

તેમણે મુખ્યમંત્રીને એમ પણ કહ્યું છે કે, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી પહેલેથી જ રો- મટિરિયલ અને પેકેજિંગ મટિરિયલના ભાવમાં વધારો, ફેઈટ ચાર્જીસમાં વધારો વગેરે પડકારો સામે બાથ ભીડી રહી છે. જીએસટી દરમાં 7 ટકા વધારો વેપારીઓની કમર તોડી નાંખશે. જેથી ટેક્સટાઈલ ક્ષેત્ર પર જીએસટીનું ભારણ રદ કરવા અને ગુજરાતના કાપડના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલ લોકોના હિતમાં કેન્દ્ર સરકારને યોગ્ય રજૂઆત કરવાની વિનંતી કરી છે.

(10:46 pm IST)