Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ચીનના પ્રયાસો નિષ્ફળ બનાવી, પ્રવીણ સિંહા વિજેતા બન્યા

ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના સ્વચ્છ છબી ધરાવતા આઇપીએસ દ્વારા માત્ર ભારત નહિ, એશિયા ખંડને ગૌરવ અપાયું: ૧૫ વર્ષ બાદ ઇન્ટરપોલના ડેલિગેટ પદે સીબીઆઇના દેશના સ્પેશ્યલ ડાયરેકટર એવા આઇપીએસ દ્વારા ફતેહ મેળવી : રાજકોટ રેન્જ અને જૂનાગઢ રેન્જમાં અર્થાત્ સમગ્ર સૌરાષ્ટ્રમાં આઇજી દરજ્જે બજાવેલ હિંમતભેર કામગીરી સાથે સેવાકીય પ્રવૃતિઓ માટે લોકો આજે પણ યાદ કરે છે, ભીતરની રસપ્રદ કથા

 રાજકોટ. તા. ૨૬, સમગ્ર ગુજરાત ખુશીથી ઝૂમી ઉંઠે તેવા સમાચારો આવ્યા છે. જોકે વિશેષ ખુશી સૌરાષ્ટ્રમા છે તેનું મહત્વનું કારણ એ છે કે પૂજય મોરારિબાપુથી માંડી નાનમાં નાનો માણસ તેમના કાર્યોને કારણે ખૂબ માન ધરાવે છે, તો હવે વધુ સસ્પેન્સ્ રાખ્યા વગર જણાવી દઇએ કે ગુજરાત સૌરાષ્ટ્રની આન બાન અને શાન સમા ૧૯૮૮ બેચના આઈપીએસ શ્રી.પ્રવીણ સિંહા કે જેઓ હાલમાં સીબીઆઇના ડી.જી.લેવલે સ્પેશ્યલ ડિરેક્ટર તરીકે સેવા આપે છે તેવા ખૂબ સ્વચ્છ છબી સાથે નિરાભિમાની તરીકે ખરા અર્થમાં જાણીતા આ આઇપીએસ ઇન્ટર પોલના ડેલીગેટ તરીકે ફકત ભારત જ નહિ સમગ્ર એશિયા ખંડના પ્રતિનિધિ તરીકે તુર્કી દેશ ખાતે યોજાયેલ રસાકસીભરી ચૂંટણીમાં ભારત વિજેતા ન બને તેવા ચીનના તમામ પ્રયાસો છતાં પ્રવીણ સિંહા પોતાના હરીફ એવા દક્ષિણ કોરિયાના ટોચના અધિકારી સામે ૪ મતથી વિજેતા બન્યાના સમાચાર પ્રા થતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીયમંત્રી સહિત દેશભરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
  સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ૧૫ વર્ષ બાદ એશિયા અર્થાત્ ભારતને ફતેહ મળી છે. પ્રવીણ સિંહા રાજકોટ રેન્જ વડા તરીકે પ્રશંસનીય કામગીરી બજાવેલ. તેમના કાર્ય કાળ દરમિયાન દારૂ જુગાર જેવા ધંધાઓની મંજૂરી બિલકુલ એક પણ જિલ્લામાં અપાતી ન હતી.રાજકીય હસ્તક્ષેપ પણ બંધ હતો. કોઇ જિલ્લામાં દારૂ કે જુગાર પકડાય એટલે મોટા ભાગના ઘેર બેસાડી દેવાતા. મોટા ઉંદ્યોગપતિઓ કે રાજકારણીઓ સાથે બેસવાને બદલે સામાન્ય લોકો સાથે તેવો વધુ સંબંધો રાખતા. હા સાત ઝરણે ઝાલ્યા બાદ જ સંબંધ રાખે.                              
 જૂનાગઢ રેન્જમાં કાર્ય કાળ દરમિયાન દીવ કેન્દ્રીય પ્રદેશ હોવા છતાં ત્યાં જઇ દારૂનો જથ્થો ચેક કરાવી કાયદાકીય કાર્યવાહી કરાવેલ. અહી પણ કોઈ રાજકારણી તેમને ભલામણ કરવાની હિંમત કરતા નહિ.  જૂનાગઢ રેન્જમાં તેઓ દ્વારા જાણીતા સેવાભાવી તબીબ ડાૅ.ડી.પી.ચોખલિયા સાથે રહી દર રવિવારે સમાજના આર્થિક રીતે નબળા તથા માધ્યમ વર્ગ માટે કેમ્પો યોજેલ. જેમાં દવા, લેબોરેટરી, એકસ-રે સુવિધા વિના મૂલ્યે આપવામાં આવતી.  ભૂતકાળમાં એસપી દરજ્જે સીબીઆઇમા પ્રથમ ટર્મ દરમિયાન જ લાલુ યાદવ સામેની તપાસમાં દિલ્હીના હાલના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની ટીમમાં રહી મહત્વની ફરજ બજાવનાર આ અધિકારીએ સુરતના કાર્યકાળ દરમિયાન સુધીરસિંહા સાથે ફરજ બજાવી ધારાસભ્ય દરજજાના રાજકારણી સામે હિંમતભેર કાર્યવાહી કરેલ. તેમના ધર્મપત્ની અર્ચનાબેન સિંહા પણ ખૂબ સરળ પ્રકૃતિ અને ખૂબ માયાળુ સ્વભાવ ધરાવતા અને પરિવારને પ્રાથમિકતા આપવા હાઈકોર્ટ પ્રેક્ટિસ પણ છોડનાર સાહિત્ય કાર ગૃહિણી છે.  
 એશીયા માટે બે સ્થાન હતા.૧૯૫ દેશ સભ્ય છે, જેમા ચીન, ભારત, કોરિયા, સિંગાપુર અને જોર્ડનનો સમાવેશ છે તેવી ચૂંટણીમાં વિજેતા બનતા દેશ વિદેશમાંથી તેમને અભિનંદન મળી રહ્યા છે.

 

(11:40 am IST)