Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

પેઇન્ટ બ્રશ બનાવવા ૧૦ હજાર નોળિયાને મારી નંખાયા

વન્ય જીવોની હત્યાનું સૌથી મોટું કારસ્તાન અમદાવાદમાંથી પકડાયું : એકની ધરપકડ

અમદાવાદ તા. ૨૫ : ગુજરાતમાં ગેરકાયદેસર રીતે પ્રાણીઓની હેરાફેરી કરીને તેમને વેચવામાં આવતા હોય છે. પરંતુ પ્રાણીઓને મોતને ઘાટ ઉતારીને તેમના પીંછાનો ઉપયોગ કરવાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. નોળિયાને મારી નાંખીને તેમાંથી પેઈન્ટ બ્રશ બનાવવાનું કૌભાંડ પકડાયુ છે.

વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોના વેસ્ટ રીજનલ ડેપ્યુટી ડિરેકટર યોગેશ વારખડને માહિતી મળી હતી કે, કેટલાક શખસો ગુજરાતના અમદાવાદમાં નોળિયાની પૂંછડીમાંથી બનેલા બ્રશ વેચે છે. ત્યારે આ માહિતીના આધારે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.

અમદાવાદના સરસપુર વિસ્તારમાં બી.આર. બ્રશ ઈન્ડસ્ટ્રીઝ નામની દુકાનમાં નોળિયાના પીંછામાંથી બનેલા પેઈન્ટ બ્રશ વેચાય છે તેવી માહિતી મળી હતી. જેથી વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરો અને રાજયના વન વિભાગે સંયુકત ઓપરેશન હાથ ધર્યુ હતું. બી.આર. બ્રશ ઈન્ડસ્ટ્રીઝના માલિક પ્રતીક શાહ પાસે ડમી ગ્રાહક બનીને ટીમે છાપો માર્યો હતો. જેમાં તેમણે નોળિયાના બ્રશ માંગ્યા હતા. આ પર પ્રતીક શાહે વિવિધ કિંમતના નોળિયાના પેઈન્ટ બ્રશ બતાવ્યા હતા.નોળિયાના વાળમાંથી બનેલા પેઈન્ટ બ્રશ જોઈ ટીમ પણ ચોંકી ઉઠી હતી. પ્રતીક શાહ પાસેથી નોળિયાના વાળમાંથી બનાવાયેલા કુલ ૭૬૦૫ પેઈન્ટ બ્રશ મળી આવ્યા હતા. આ આંકડો ટીમની ધારણા કરતા પણ મોટો હતો. કારણ કે, આટલી માત્રામાં પેઈન્ટ બ્રશ બનાવવા માટે ઓછામાં ઓછા ૧૦,૦૦૦ નોળિયાની હત્યા કરવી પડે તેમ હતું. એનો મતલબ કે, આટલા નોળિયાનો શિકાર કરાયો હતો, જેના બાદ આ પેઈન્ટ બ્રશ બન્યા હશે.

આ ઉપરાંત આ પહેલા પણ પ્રતીક શાહે કેટલાય પેઈન્ટ બ્રશ વેચ્યા હશે. આમ, બી.આર. બ્રશ ઈન્ડસ્ટ્રીઝના પ્રતીક શાહની ધરપકડ કરવામાં આવી છે અને તેની વિરુદ્ઘ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઉત્તર પ્રદેશના કેટલાક લોકો નોળિયાનો શિકાર કરતા હતા. જેઓ નોળિયાને માર્યા બાદ તેના પૂંછડીના ભાગને કાપીને તેનુ વેચાણ કરતા હતા. આ પૂંછડીમાંથી પેઈન્ટ બ્રશ બનાવાતા હતા. નોળિયાના વાળ અમદાવાદ વેચાતા હતા. જેમાંથી બીઆર બ્રશનો માલિક અલગ અલગ સાઈઝના બ્રશ બનાવતો હતો.

વન વિભાગે જણાવ્યું હતું કે નોળિયાની પૂંછડીના વાળ એકદમ સુંવાળા હોય છે અને તેના કારણે ઘણા કલાકારોમાં વર્ષોથી એવી ખોટી માન્યતા છે કે નોળિયાની પૂંછથી કલા વધુ નિખરે છે. બીજી તરફ હજુ સુધી એવા સિન્થેટિક બ્રશ નથી બન્યા જે વારંવાર ઉપયોગ કરી શકાય કારણ કે, રંગ સાફ કરવા માટે ધોવાય ત્યારે સિન્થેટિક બ્રશના ફાયબર તૂટી જાય છે. જયારે નોળિયાના પૂંછના વાળને વારંવાર ધોવા છતાં તે સુંવાળા હોવા છતાં એટલા મજબૂત હોય છે કે તૂટતાં નથી જેથી ઘણો લાંબો સમય સુધી ચાલે છે.

(2:52 pm IST)