Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

મુખ્યમંત્રી દાઉદી વ્હોરા સમાજના મિલાદ મુબારક ઉત્સવમાં સહભાગી બન્યા

ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો.સૈયદના સાહેબને તેમના જન્મદિનની પૂર્વસંધ્યાએ શુભેચ્છા પાઠવી આશીર્વાદ મેળવ્યા : દેશ-વિદેશમાંથી વ્હોરા સમાજના હજારો અનુયાયીઓ ઉમટી પડયાઃ દાઉદી વ્હોરા સમાજના ઝુલુસમાં બુરહાની સ્કાઉટ, બુરહાની ગાર્ડ, તાહેરી બેન્ડએ આકર્ષણ જમાવ્યું

 રાજકોટઃ તા.૨૫, 'દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝ હોલિનેસ ડો. સૈયદના અબુલ કાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીનના ૧૧૧મી મિલાદ મુબારક (જન્મજયંતિ) મહોત્સવ તથા વર્તમાન ૫૩મા સર્વોચ્ચ ધર્મગુરૂ હીઝ હોલિનેસ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના ૭૮મા જન્મદિવસની ઉજવણીમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા હતા, અને તેમના જન્મદિનની પૂર્વસંધ્યાએ શુભેચ્છા પાઠવી સાહેબના આશીર્વાદ મેળવ્યાં હતા. ડૉ. સૈયદનાજીએ મુખ્યમંત્રીશ્રીનું શાલ અને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કર્યું હતું.

 સુરતના ઝાંપા બજારના દેવડી ખાતે મિલાદ મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલી શાનદાર પ્રોસેશન(મોકીબ)નું ડો.સૈયદના સાહેબ તેમજ મુખ્યમંત્રીશ્રીએ અભિવાદન ઝીલ્યું હતું. દેશના અલગ અલગ વિસ્તારોથી આવેલા દાઉદી વ્હોરા સમાજના રપ જેટલા બેન્ડે મધુર સુરાવલિ છેડીને આકર્ષણ જમાવ્યું હતું. સૈફી સ્કાઉટ, બુરહાની ગાર્ડ, તાહેરી બેન્ડ, બાઈક રાઈડર્સ, સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ભવ્ય પ્રોસેશનમાં દેશ-વિદેશમાંથી વ્હોરા સમાજના હજારો અનુયાયીઓ ઉમટી પડયા હતા.

 આ અવસરે વોહરાવાડની તમામ શેરીઓ, તમામ મકાનો રોશની તથા તોરણો અને ડેકોરેટિવ વીજ શણગારથી ઝળહળી ઉઠયા હતા.

  મિલાદ મુબારક ઉત્સવમાં કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશ મોદી, ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, ધારાસભ્ય સર્વશ્રી અરવિંદ રાણા, વિવેક પટેલ, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી, સહિત દેશ-વિદેશમાંથી આવેલા દાઉદી વ્હોરા સમાજના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ યુસુફભાઇ જોહરકાર્ડસવાળાની યાદીમાં જણાવાયું છે.

(11:34 am IST)