Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ભાજપની ટીકીટ માટે કોણ લાયક ? ગુપ્તચરો કામે લાગ્યા

દરેક મતક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ તેમજ દાવેદારોની લાયકાત વિશે વિસ્તૃત અહેવાલ તૈયાર થશે : સરકારી એજન્સી અને ખાનગી અભ્યાસુઓ દ્વારા સર્વે : બેઠક દિઠ છ-છ સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર થાય છે

રાજકોટ,તા. ૨૫ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવે તો માર્ચ-એપ્રિલમાં આવી શકે છે અને સમયસર આવે તો નવેમ્બર ૨૦૨૨માં આવવાપાત્ર છે. ભાજપના ટોચના વર્તુળો વહેલી ચૂંટણીની શકયતા નકારે છે પણ બાહય કરતા વધુ આંતરિક રીતે તૈયારી શરૂ કરી દીધી છે. જિલ્લાઓમાં નેતાઓના પ્રવાસો વધ્યા છે. ઉપરાંત બિનસતાવાર સર્વે પણ થવા લાગ્યા છે. ઇન્ટેલીજન્સ બ્યુરો જેવા તંત્રને અને ખાનગી સર્વેયરોને આ કામ સોંપાયાનું જાણવા મળે છે. ટૂંક સમયમાં ભાજપ પાસે તમામ ૧૮૨ બેઠકોનું પ્રાથમિક ચિત્ર આવી જશે.

રાજ્યમાં ૨૦૧૭ની ધારાસભાની ચૂંટણીમાં ભાજપને ૯૯, કોંગ્રેસને ૭૭ બેઠકો મળેલ. ૬ બેઠકો અન્ય પક્ષના ફાળે ગયેલ. ત્યારબાદ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામા અપાવી પોતાના પક્ષ તરફથી લડાવી પોતાની સ્થિતિ મજબુત કરેલ. હાલ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ૧૧૨ સભ્યોનું છે. ૨૦૧૭ અને અત્યારની સ્થિતિમાં ઘણો ફેર છે. તે વખતના અને અત્યારના સતા અને સંગઠનના નેતૃત્વમાં ફેરફાર થઇ ગયો છે. કેટલાય રાજકીય સમીકરણો ફરી ગયા છે.

ભાજપ અને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગુપ્તચરો અને બિનરાજકીય સમીક્ષકો દ્વારા સંભવિત ઉમેદવારો પર નજર દોડાવવામાં આવી રહી છે. કયા વિસ્તારમાં કોને ટીકીટ આપવાથી શું થાય ? અને કોને ટીકીટ ન આપવાથી શું થાય ? તેની માહિતી એકત્ર થઇ રહ્યાના વાવડ છે. ચૂંટણી સુધીમાં હજુ અનેક ફેરફારોને અવકાશ છે. હાલ તો વર્તમાન સ્થિતિમાં જ્ઞાતિ, વ્યકિત, સંભવિત હરીફ વગેરેને ધ્યાને રાખીને મતક્ષેત્ર દિઠ છ-છ સંભવિત નામોની યાદી તૈયાર થઇ રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે. અંા કથિત સર્વે બાદ કેટલાક નવા અભ્યાસ બાદ ભાજપ ઉમેદવારોની પસંદગી કરશે.

(10:57 am IST)