Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

નર્મદા : ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે 84 ચૂંટણી અધિકારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટે અપાઇ તાલીમ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લામાં આગામી તા.૧૯ મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણી- ૨૦૨૧ અન્વયે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત કુલ-૮૪ જેટલાં અધિકારી ઓને તેમની ફરજના  ભાગરૂપે કરાયેલા તબક્કાવાર તાલીમ આયોજન અન્વયે આજે રાજપીપલાના ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ચૂંટણીલક્ષી  તાલીમ યોજાઇ હતી.

રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને નાંદોદના પ્રાંત અધિકારી કે.ડી.ભગતે ઉક્ત તાલીમમાં ચૂંટણી  નોટીસો/જાહેરનામાં પ્રસિધ્ધ કરવા, ઉમેદવારીપત્રો ભરવાં, ઉમેદવારીપત્રો કઇ રીતે ચકાસણી કરવાં ઉપરાંત ઉમેદવાર ઉમેદવારીપત્ર પરત ખેંચે ત્યારે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી તેમજ ઉમેદવારી પત્રો ચકાસણી કરતી વખતે જે તે ઉમેદવારોના નામની સામે તેમને અપાયેલા ચૂંટણી ચિન્હો બરોબર જ છે ને ? તેની પૂરતી કાળજી રાખવા અંગે જરૂરી સૂચના સાથે શ્રી ભગતે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
પુનઃમતદાન કરવાની જરૂર જણાય તો કઇ બાબતો ધ્યાનમાં રાખવી, મતદાન મથકના ફરજ પરના અધિકારી ઓને જુદા જુદા વૈધાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત બેલેટ પેપરથી  મતદાન કરતી વખતે મત પેટી રિસીવીંગ- ડિસ્પેસીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી નિદર્શન સાથે મતદાનના દિવસે સમયસર કરવાની થતી કામગીરી અંગેનું વિસ્તૃત માર્ગદર્શન પણ આ તાલીમમાં પુરું પડાયું હતું.
આ તાલીમમાં સાવલી ગામની શાળાના આચાર્ય અક્ષરભાઇ શાહુએ પણ મતદાન પ્રક્રિયા દરમિયાન અને મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીને સીલ કઇ રીતે કરવી અને સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે નિદર્શન સાથે  જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

(10:14 pm IST)