Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

પતિએ પત્નીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી

પત્નીએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી તો પતિએ ના પાડી :વડિયાના મોટા ઉજળા ગામે પતિએ મોડી રાત્રે પત્નીની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી

અમરેલી,તા.૨૪ : વડિયાના મોટા ઉજળા ગામે પતિએ મોડી રાત્રે પત્નીની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. લગ્નમાં જવા બાબતે ખેતમજૂર પરિવારમાં થયેલા ઝગડા બાદ પત્ની રાત્રીના સમયે નિંદ્રામાં હતી તે સમયે પતિએ પત્નીને ગળા ટુપો આપી મોતને ઘાટ ઉતારી હતી. જો કે, આ અંગે જાણકારી મળતા પોલીસે સ્થળ પર પહોંચી હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડિયાના મોટા ઉજળા ગામે દાહોદના ફતેપુરા તાલુકાના ધાણીખુંટ ગામનો ખેતમજૂર પરિવાર ખેતી ભાગમાં રાખી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે આ ખેતમજૂર કાનજીભાઈ મકવાણાના દીકરા હિંમત ઉર્ફે મેહુલના લગ્ન મોટી ઢંઢેલી ગામે આશા નામની યુવતી સાથે થયા હતા. જો કે, મેહુલની પત્ની આશાના પિયરમાં તેના ફોઈના દીકરાના લગ્ન હતા અને ત્યાં જવાની આશાએ ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ મેહુલે જવાની ના પાડતા પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી.

          જો કે, રાત્રીના સમયે રૂમમાં પત્ની સૂતી હતી ત્યારે ખાટલાના વ્હાણની દોરીથી ગળો ટુપો આપી પતિ મેહુલ ઉર્ફે હિંમતે તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે મેહુલના પિતા કાનજીભાઈને જાણ થતા તેઓએ મૃતક આશાના પિતાને ફોન કરી આશાને કંઈક થઈ ગયું છે અને તેને દવાખાને લઈ જઈએ છીએ તેમ જાણ કર્યા બાદ ફરી દવાખાને પહોંચીને ફોન કર્યો કે આશા મૃત્યુ પામી છે. ત્યારે વડિયા સિવિલ હોસ્પિટલમાં તેનું પીએમ કરતા અને તેના ગળાના ભાગે દોરીના નિશાનો મળી આવ્યા હતા. ત્યારે પીએમ રિપોર્ટમાં પણ મૃતકનું મોત ગળું દબાવીને થયાનું સામે આવ્યું હતું. જો કે, આશાના મોત મામલે મૃતકના પિતાએ ઊંડાણ પૂર્વક પૂછતાં તેને ગળે ટુપો આપી મોતને ઘાટ ઉતારી હોવાનું જાણવા મળતા તેમણે વડિયા પોલીસમાં હિંમત ઉર્ફે મેહુલ કાનજીભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આઇપીસી કલમ ૩૦૨ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

(8:55 pm IST)