Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ગાંધીનગર : એમ્બ્યુલન્સમાં પ મૃતદેહ લઈ જતાં હોબાળો

રાજ્યમાં કોરોનાના કહેરમાં પણ તંત્રની બેદરકારી : કોરોનામાં મૃતક લોકોના આંકડામાં થતી ગોલમાલની પોલ ઉઘાડી પડી, નાયબ મુખ્યમંત્રી દ્વારા તપાસનું આશ્વાસન

ગાંધીનગર, તા. ૨૬ : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોના કેસના આંકડામાં વધારો થતા તંત્ર સફાળું જાગ્યું છે. આ વચ્ચે તંત્ર દ્વારા કરવામાં આવેલા દાવા પોકળ સાબિત થતા હોય એવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને લઇને તંત્રની બેદકારી સામે આવી છે. જેમા તંત્ર કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો મલાજો પણ જાળવી શક્યું નથી. એક જ એમ્બ્યુલન્સમાં ૪થી ૫ મૃતદેહ ભરવામાં આવ્યા છે.

એક જ એમ્બ્યુલન્સમાં ઉપરાઉપરી ૪થી ૫ મૃતદેહો ખડકીને લાવવામાં આવતા હોવાની ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પેટલે તત્કાળ તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે પ્રોટોકોલ પ્રમાણે કામગીરી થશે. આ ઘટના મારી જાણમાં નથી. આ ઘટનાને લઇને તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને લઇને આંકડામાં થતી ગોલમાલની પોલ ઉઘાડી પડી છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને એક જ એમ્બ્યુલન્સમાં ભરવામાં આવે છે. હાલ સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઇ રહી છે જેમા એક જ એમ્બ્યુલન્સમાં ૪થી ૫ મૃતદેહ જોવા મળી રહ્યા છે. આ જોતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે શું તંત્ર મૃત્યુ પામેલા લોકોનો મલાજો પણ જાળવી શક્યું નહીં.

ઉલ્લેખનીય છે કે કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તો સામે મૃત્યુઆંકના આંકડામાં સામે આવી રહ્યા છે. સરકારના આંકડા અને એમ્બ્યુલન્સમાં દેખાતા મૃતદેહો સરકારની પોલ ખોલી રહ્યા છે. કોરોનાની કપરી સ્થિતિમાં ટપોટપ મરતા લોકો સરકારના આંકડા માત્ર વાહવાહી પૂરતા સિમિતિ રહ્યા છે. જ્યારે પરિસ્થિતિ સરકારના આંકડાથી વિપરીત જોવા મળી રહી છે.

(9:14 pm IST)