Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વળતર આપવામાં કૌભાંડ : 3 લાખની લાંચ લેવા મામલે બે મામલતદાર સહીત ત્રણની ધરપકડ

કૌભાંડમાં અન્ય લોકો પણ સામેલ હોવાની એસીબીને શંકા

અમદાવાદ;વડાપ્રધાન  મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમા બે મામલતદાર સહીત 3 ની ત્રણ લાખની લાંચ લેવા મામલે ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વળતર પેટે ચુકવવામાં આવતી રકમને લઇ કૌભાંડ સામે આવ્યુ છે. જે મામલે એસીબીએ ખેડામાં કાર્યવાહી કરી બે મામલતદાર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓએ ભોગ બનનાર પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જોકે આ કૌભાંડમાં અન્ય લોકો પણ સામેલ હોવાનું એસીબી માની રહી છે જેને લઇ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બુલેટ ટ્રેનમાં જમીન સંપાદન મામલે અપાતા વળતર અંગે થઈ રહેલી ગેરરીતીની એસીબીને અરજીઓ મળી રહી હતી. જેની ખાનગી રાહે તપાસ કરતા એસીબીના ફરિયાદીને જમીન સંપાદનના 17 લાખ રૂપિયા મળવાના હતા. જે ફરિયાદીના ખાતામા જમા ન થતા ફરિયાદીએ આરોપી કોમ્પ્યુટર ઓપરેટર પિન્કેશ પરમારનો સંપર્ક કર્યો હતો. તેણે 17 લાખ લેવા માટે અધિકારી સાથે વ્યવહાર કરવાનુ જણાવ્યું હતું. ત્યાર બાદ આ કેસમા પિન્કેશે ફરિયાદી પાસેથી ડિપોઝીટ અને વિડ્રોઅલ સ્લિપમા સહીઓ કરાવી લાંચ મેળવી હતી.

આ મામલે મામલતદાર મુકેશ સોની અને ભીખા વાઢેર જે બન્ને હાલ કરાર આધારીત પોસ્ટીંગ પર છે. તેમની સંડોવણી સામે આવતા ધરપકડ કરવામા આવી છે. નોંધનીય છે કે આ સમગ્ર કૌભાંડને બહાર પાડવા એસીબી ડાયરેક્ટર કેશવ કુમારે અલગ અલગ બેંકોમાં તપાસ કરી હતી.સાથે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ મામલે ખેડામા જમીન સંપાદન કરનાર ખેડૂતોને 300 કરોડ ચૂકવી આપ્યા છે. જેને લઈ એસીબીએ કેટલાનું કૌભાડ કર્યુ છે તેની તપાસ શરૂ કરી છે.

(6:30 pm IST)