Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

વડોદરા મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના તત્કાલીન પ્રાધ્યાપક અને હાલમાં જામનગર એમ. પી. શાહ મેડીકલ કોલેજના પ્રાધ્યાપક શૈલેષ નાગર વિરૂધ્ધ ગુન્હોઃ એસીબીએ જાતીય સતામણીની ફરીયાદ દાખલ કર્યાની પ્રથમ ઘટના

વડોદરા : સામાન્ય રીતે એસીબી દ્વારા સરકારી બાબુઓ સામે લાંચ માંગવા અંગેની ફરિયાદ નોંધવામાં આવતી હોય છે. જો કે એસીબીમાં જાતીય સતામણી બદલ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે એસીબીના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. એસીબીએ વડોદરા મેડિકલ કોલેજના એનોટોમી વિભાગના તત્કાલીન પ્રાધ્યાપક શૈલેષ નાગર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઇપીસીની કલમ 354 () અંતર્ગત ગુનો દાખલ કર્યો છે

વડોદરા મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના તત્કાલીન પ્રાધ્યાપક અને હાલમાં જામનગર એમ.પી શાહ મેડિકલ કોલેજના પ્રાધ્યાપક શૈલેષનાગર વિરુદ્ધમાં તબીબ શિક્ષકો પાસેથી સી.આર રિપોર્ટ લખવા માટે રૂપિયાની માંગણી અને જાતીય સતામણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે અંગે તેમની સામે આરોગ્ય વિભાગ દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવી રહી હતી. જો કે તપાસ દરમિયાન તપાસ કમિટીને કેટલીક ઓડિયો અને વીડિયો ક્લિપ મળી આવી હતી. જેની જાણ એસીબીને એફએસએલની મદદથી ખરાઇ કર્યા બાદ તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે

આરોપી શૈલેષ નાગર તબીબ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને બીભત્સ શબ્દો બોલીને જાતીય સતામણી કરવાનાં ઇરાદાથી એસીબીના અરજદારોને હેરાન પરેશાન કરતો હતો. તપાસ દરમિયાન આરોપીએ અમદાવાદ, વડોદરા, પાટણ, જામનગર અને સુરતની મેડિકલ કોલેજમાં ફરજ બજાવી ચુક્યો છે. જે પૈકી કેટલીક કોલેજોમાં મહિલા તબીબ શિક્ષક અને વિદ્યાર્થીનીઓની પણ જાતીય સતામણી કરી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું

આરોપી એક સી.આર રિપોર્ટ લખવા માટે રૂપિયા દોઢ લાખની માંગ કરતો હતો. હાલમાં એસીબીએ આરોપીની ધરપકડ કરીને વધારે તપાસ આદરી છે. જો કે એસીબી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લંપટ પ્રોફેસરે અન્ય કોઇને પીડા પહોંચાડી હોય તો એસીબીનો સંપર્ક કરી શકે છે. જો કે એસીબીની તપાસ દરમિયાન આરોપીની અનેક કરતૂતોનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ છે

(5:32 pm IST)