Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ખાનગી કરણના વિરોધમાં ગુજરાતના પપ હજાર સહિત દેશના ૧પ લાખ વીજ કર્મચારીઓનું આંદોલનઃ કાળી પટ્ટી ધારણ કરી

ગુજરાતની તમામ કચેરીઓ સામે ઉગ્ર દેખાવો-સુત્રોચ્ચારઃ હિટલર શાહી બંધ કરવા માગણી : કલેકટર સહિતના અધિકારીઓને આવેદનઃ આગામી દિવસોમાં ઉગ્ર લડત-હડતાલ અંગે રણનીતિ ઘડાઇ

રાજકોટ તા. ર૬ :.. ખાનગી કરણના વિરોધમાં આજે વીજ બોર્ડના પપ હજાર જેટલા ઇજનેરો અને કર્મચારીઓએ આંદોલન જાહેરકરી કાળી પટ્ટી ધારણ કરી હતી, અને બપોરે રાા વાગ્યે લક્ષ્મીનગર કોર્પોરેટ ઓફીસ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ - ગુજરાતની તમામ ઝોનલ ડીવીઝન કચેરી સમક્ષ પણ દેખાવો યોજયા હતાં.

વીજ ઇજનેરોનું  યુનિયન જીબીઆ ઉપરાંત વીજ કર્મચારીઓના અન્ય યુનિયનોએ સંયુકત રીતે આ આંદોલનનું રણશીંગૂ ફુંકયું હતું. જીબીઆના સેક્રેટરી જનરલ શ્રી બી. એમ. શાહ તથા અન્ય આગેવાનોએ સંયુકત રીતે સંબોધન કર્યુ હતું, તો અન્ય આગેવાન શ્રી ભટ્ટ અને અન્યોએ લડતની સફળતા અંગે ભારે જહેમત ઉઠાવી હતી.

રાજકોટમાં ત્રણ સ્થળે લક્ષ્મીનગર મેઇન રોડ, પીજીવીસીએલ તથા ત્રિકોણ બાગ ડીવીઝન ઓફીસમાં સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાયો હતો.

ખાનગીકરણ મુર્દાબાદ, જનતાનું હીત જૂઓ ઉદ્યોગપતિઓનું નહી, અન્યાય વિરૂધ્ધ અવાજ ખાનગીકરણ બંધ કરો, વિજળી કંપનીઓનું ખાનગીકરણ બંધ કરો, ખાનગીકરણનું એક જ ધ્યેય નફા માટે મોંઘી વીજળી સરકાર તારી હિટલર શાહી નહી ચલેગી નહીં ચલેગી જેવા સુત્રો પોકારી વાતાવરણ ગજવી મુકયું હતું.

દેખાવો સમયે પ્રેસનોટનું વાંચન કરી સુત્રો પોકારયા હતાં.

દરમિયન યુનિયન આગેવાનોએ ઉમેર્યુ  હતું કે, દેશભરમાં ૧પ લાખ અને ગુજરતના પપ વીજ કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા છે, હવે આગામી લડત અંગે રણનીતિ નકકી કરાશે.

ખાનગીકરણ સામે લાલબતી દર્શાવતી વિવિધ બાબતો અંગે ઉમેરાયું હતું કે, વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવાથી સરકારનો માલિકી હકક જતો રહેશે.

ડીસ્કોમ કંપનીઓ ખાનગી થવાથી ગ્રાહકોને ફરીયાદો માટે પણ ચાર્જ ચુકવવો પડશે, મોંઘા ભાવે વીજળી ખરીદ કરવાથી વીજ ગ્રાહકોના બીલોની રકમમાં મોટો વધારો થશે. સબસીડી બંધ થશે, ખેતીવાડી ગ્રાહકોને પણ બીલની પુરી રકમ ભરવી પડશે. વીજ યુનિટ હાલ જે રૂ. પાા થી ૭ા છે, તેમાં તોતીંગ વધારો  થઇને ૧૦ થી ૧ર રૂપિયા થશે.

યુનિયનોએ આવેદનમાં માગણી કરી હતી કે, ઇન્ડીયન ઇલેકટ્રીસીટી એમેડમેન્ટ બીલ ર૦ર૦ પ્રક્રિયા તાકીદે રદ કરવી, ટેન્ડર પ્રક્રિયાઓ રદ કરવી, ફ્રેન્ચાઇઝ પ્રથા બંધ કરવી, વીજ કંપનીઓનું વિભાજન કરી તેની સેવા રાજય સરકાર હસ્તક રાખવી, જૂની પેન્શન પ્રથાનું અમલીકરણ કરવું, ફરજીયાત રીટાયર્ડમેન્ટ પ્રથા તાકીદે બંધ કરવો.

(3:34 pm IST)