Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

એસઇઝેડ : જાપાનીઝ ટેકનિક મિયાવાકીનું અમલીકરણ થશે

મન કી બાતમાંથી પ્રેરણા લઇ વન કી બાત પહેલ : વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરાશે : એસઇઝેડમાં પ્રદૂષણને ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે અનોખી ઝુંબેશ

અમદાવાદ, તા.૨૬ : કંડલા એસઇઝેડએ ગિફ્ટ સિટી એસઇઝેડ સહિત ગુજરાતના તમામ એસઇઝેડમાં વૃક્ષારોપણ સુનિશ્ચિત કરવા માટે વિશેષ પહેલ કરી છે. કંડલા એસઇઝેડ ગાંધીધામના ઝોનલ ડેવલપમેન્ટ કમીશનર ડો.આમિયા ચંદ્રા સાથે અન્ય અધિકારીઓએ ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિઓ અપનાવીને એસઇઝેડમાં પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો સુનિશ્ચિત કરવા પહેલ કરી છે. ડો. આમિયા ચંદ્રાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના વિચારોમાંથી પ્રેરણા લઇને ટીમે પહેલનું નામ વન કી બાત રાખ્યું છે, જેમાં એસઇઝેડ, ડેવલપર્સ, કો-ડેવલપર્સ, એસઇઝેડના યુનિટ્સ અને કંડલા એસઇઝેડના ટ્રેડ એસોસિયેશન હરિત એસઇઝેડ, સ્વચ્છ એસઇઝેડ અને સમૃદ્ધ એસઇઝેડ બનાવવાની શપથ લેશે. ટીમ એસઇઝેડના સંકુલોની અંદર વૃક્ષારોપણ કરીને તેની કાળજી, સુરક્ષાને બળ આપવાના શપથ લેશે. તેઓ એસઇઝેડ સંકુલોની અંદર શક્ય હોય ત્યાં સુધી પરિવહન માટે કારનો ઉપયોગ ટાળશે. તેઓ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ સ્થાપના કરશે તથા બિનપરંપરાગત સ્રોતોનો ઉપયોગ કરીને ઉર્જા પેદા કરશે. કૃષિ-વનીકરણને પ્રોત્સાહન આપવા અને જીવ-વૈવિધ્યતા જાળવવા માટે જાપાનીઝ ટેકનીક મિયાવાકીનું અમલીકરણ એસઇઝેડમાં કરશે. હવેથી એસઇઝેડ દેશની નિકાસને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે દેશના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં પણ યોગદાન આપશે. ગ્રીન એસઇઝેડના ખ્યાલને તમામ ડેવલપર્સ અને એસઇઝેડના યુનિટ્સની સાથે-સાથે ટ્રેડ એસોસિયેશનનો સહયોગ પ્રાપ્ત છે.

(9:45 pm IST)