Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

એરપોર્ટ પરથી સાત દેશોની નોટો સાથે પ્રવાસી ઝડપાયો

પકડાયેલી નોટો ૧.૩૯ કરોડની કિંમતની છે : ડોલર, પાઉન્ડ, યુરો, ન્યૂઝીલેન્ડના ડોલર, સાઉદી રિયાલ, દિરહામ જેવી ચલણની નોટો કબજે કરાઈ : ઉંડી ચકાસણી

અમદાવાદ, તા.૨૬ : અમદાવાદ એરપોર્ટ પરથી રૃ.૧.૩૯ કરોડથી વધુની વિદેશી ચલણી નોટ સાથે કસ્ટમ વિભાગના અધિકારીઓએ એક મુસાફરને ઝડપી લીધો હતો. જેને પગલે એરપોર્ટ પર ભારે ચકચાર મચી ગઇ હતી. તપાસમાં એવી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, ઝડપાયેલા આ પ્રવાસી  અમદાવાદથી દુબઈની ફ્લાઇટમાં અલગ અલગ ૭ દેશોની ચલણી નોટોનું સ્મગલિંગ કરવાનો હતો. એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટે મુસાફરનું ચેકીંગ કરતા તેની પાસેથી વિદેશી ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો. જે જુદા જુદા દેશોની ચલણી નોટો મળી આવી તેમા ડોલર, પાઉન્ડ, યુરો, ન્યૂઝીલેન્ડ ડોલર, સાઉદી રિયાલ, દિરહામનો સમાવેશ થાય છે ત્યારે હવે અમદાવાદ કસ્ટમ વિભાગે વિદેશી ચલણી નોટો કબજે કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

                   અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશી ચલણી નોટોની દાણચોરી કરતા મુસાફરને આજે શંકાના આધારે આંતર્યો હતો અને તેની જડતી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં કસ્ટમ વિભાગના અધિકારીઓઓ પ્રવાસીની જડતી દરમ્યાન પ્રવાસી પાસેથી ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી ચલણી નોટો ઝડપી પાડી હતી, જેને આધારે તેની પુછપરછ હાથ ધરી હતી. પ્રવાસીએ પોતાના પેન્ટના ભાગે ગુપ્ત રીતે વિદેશી ચલણી નોટો છુપાવી હતી. હાલ તો કસ્ટમ વિભાગે વિદેશી ચલણી નોટો જમા લઈ યુવકની વધુ તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, પ્રવાસી પાસેથી એક, બે નહી પરંતુ અલગ અલગ સાત દેશોની ચલણી નોટોનો જથ્થો જપ્ત કરાયો હતો, જેની કુલ કિંમત રૃ.૧.૩૯ કરોડથી વધુની થતી હતી.

(8:45 pm IST)