Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

માર્ગ અકસ્માતોની વચ્ચે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું ચાર બીઆટીએસ રૃટનું નિરીક્ષણ

વાળીનાથ ચોક પાસે ફૂટ ઓવરબ્રીજ બનાવવા સ્થાનિકોનું સૂચન : ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અંજલિ ચાર રસ્તા, પાંજરાપોળ, ધરણીધર તેમજ વાળીનાથ ચોક સુધીના રૃટનું નિરીક્ષણ કર્યું : મેયર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત

અમદાવાદ, તા. ૨૬ : ગત ગુરૃવારે શહેરના પાંજરાપોળ સર્કલ નજીક બીઆરટીએસની બસે બાઈક ચાલકને અડફેટે લેતા બે ભાઈઓના મોત થયા હતા. ત્યારબાદ સમગ્ર શહેરમાં બીઆરટીએસ બસ સામે જે પ્રકારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેની ગૃહરાજ્યમંત્રીએ ગંભીરતાથી નોંધ લીધી હતી અને આજે ખુદ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહેરના અંજલિ ચાર રસ્તા, પાંજરાપોળ, ધરણીધર અને વાળીનાથ ચોક સુધી બીઆરટીએસ રૃટનું જાત નીરીક્ષણ અને ચેકીંગ હાથ ધર્યું હતું. ગૃહરાજયમંત્રીએ અકસ્માતો સર્જતા પરિબળો, કારણો અને તેના નિવારણ માટેના મામલે મ્યુનિસિપલ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે સ્થળ પર જ ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે ખુદ શહેરના મેયર, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, પોલીસ કમિશનર આશિષ ભાટિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા અને ગૃહરાજયમંત્રીને જરૃરી માહિતી પૂરી પાડી હતી.

                     ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાની બીઆરટીએસ રૃટની મુલાકાત અને જાત નીરીક્ષણ દરમ્યાન વાળીનાથ ચોક પાસે સ્થાનિક નાગરિકોએ ગૃહરાજ્ય મંત્રીને વાળીનાથ ચોક પાસે ફૂટ ઓવબ્રીજ બનાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. કારણ કે, વાળીનાથ ચોક પાસે વર્ષોથી ચાર રસ્તા હતા અને હવે બીઆરટીએસ કોરિડોર બની જવાના કારણે નાના બાળકો, મહિલાઓ કે નાગરિકોને ઘણીવાર કોરિડોર ઓળંગીને-ક્રોસ કરીને સામેની સાઇડ જવાની ફરજ પડે છે. તેના કારણે ઘણીવાર ભૂતકાળમાં જીવલેણ અકસ્માત પણ સર્જાયેલા છે. ગૃહરાજયમંત્રીએ સ્થાનિકોને શાંતિપૂર્વક સાંભળ્યા હતા. હેલ્મેટ સર્કલ રૃટ પાસે મેમનગરના વાળીનાથ ચોક પાસે હેલ્મેટ બ્રીજ ઉતરતા જ સ્કૂલ આવેલી છે અને સામે રોડ આવેલો છે, જેથી બાળકો અને લોકોને બીઆરટીએસની રેલીંગ કુદીને ત્યાંથી પસાર થવું પડે છે, જેથી વાળીનાથ ચોક પાસે ફૂટ ઓવરબ્રીજ બનાવવા માટેનું સૂચન સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું હતું.

                   બીઆરટીએસ રૃટ પર જ્યાં મિક્સ ટ્રાફિક થાય છે ત્યાં બમ્પ મુકવાની તેમજ વચ્ચે આવતી અડચણોને દૂર કરવા મામલે પણ સૂચનો કરવામાં આવ્યા હતા. ગૃહરાજ્ય મંત્રીએ સ્થાનિક ધારાસભ્ય તેમજ લોકોના મંતવ્યો સાંભળ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ તરફથી જે પણ સૂચનો મળ્યા છે તેનો આગામી દિવસમાં અમલ કરી અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સૂચારુ રૃપ બને તેનું આયોજન કરવામાં આવશે.  બીઆરટીએસ બસના ચાલકો ર્વકિંગ અવર્સની અંદર જ કામ કરે અને જે ગતિ મર્યાદા નક્કી કરી છે તે મર્યાદામાં જ વાહન ચલાવે તેવા સૂચનો કરવામાં આવ્યા છે. આ મામલે બનાવવામાં આવેલી કમિટી સમક્ષ સૂચનો આવશે તેનો આગામી દિવસમાં અમલ કરવામાં આવશે. કમીટી દ્વારા બીઆરટીએસ બસ દ્વારા અકસ્માત નિવારણ માટે સતત સમીક્ષા થતી રહેશે અને જરૃરી પગલાં પણ લેવાશે.

(8:35 pm IST)