Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

શેઠની શીખામણ ઝાંપા સુધી કહેવત સાચી પડીઃ BRTS બસના અકસ્માત નિવારવાની બેઠકના કલાકો બાદ BRTS બસે કારને હડફેટે લીધી

અમદાવાદ : શેઠની શિખામણ ઝાંપા સુધી કહેવત કદાચ સાચી ઠરી છે. બીઆરટીએસ અકસ્માત હાલ સમગ્ર ગુજરાતનો સળગતો મુદ્દો બન્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ મુદ્દે સંજ્ઞાન લેવું પડ્યું હતું. આજે રાજ્યનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બીઆરટીએસ અકસ્માતને નિવારી શકાય તે માટે અલગ કમિટીની રચનાથી માંડીને કેટલાક સ્થળ પર પોતે જઇને પરિસ્થિતીનો તાગ મેળવશે તે પ્રકારનું આયોજન કરાયું હતું. જો કે કલાકો પછી બીઆરટીએસની બસે એક કારને અડફેટે લીધી હતી.

શહેરનાં દુધેશ્વર બ્રિજ પર બીઆરટીએસ બસે એક કારને અડફેટે લીધી હતી. જો કે આ અકસ્માતમાં કોઇ ઇજા થઇ નહોતી. પરંતુ ટક્કરને કારણે ગાડી ડીવાઇડર પર ચડી ગઇ હતી. ગાડીમાં રહેલા એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુભાષબ્રિજ પર કામ ચાલતું હોવાનાં કારણે દધીચીબ્રીજ પર ટ્રાફીકની સમસ્યા ખુબ જ રહે છે. તેવામાં અકસ્માત સર્જાતા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે તત્કાલ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફીક હળવો કરાવ્યો હતો. જો કે બીઆરટીએસ બસનો વધારે એક અકસ્માત થતા તંત્ર દોડતું થયું હતું. ઘટના સ્થળે ન માત્ર પોલીસનો પરંતુ પોલીસ વાહનોનો ખડકલો થઇ ગયો હતો.

(4:57 pm IST)