Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મહેસાણામાં હોટલમાં જમવાના પૈસા આપવા મુદ્દે એક મિત્રએ બીજા મિત્રનું ઢીમ ઢાળી દીધુ

મહેસાણા: શહેરમાં બાયપાસ હાઈવે ઉપર જમવા ગયેલ મિત્રો વચ્ચે નાની અમથી વાતમાં હત્યા સુધીની ઘટના બની જવા પામી હતી. હાઈવે પરની એક હોટલ પર જમવા જતા પૈસા આપવા આ મિત્રો વચ્ચે તકરાર થાય છે. અને તકરારમાં ને તકરારમાં એક મિત્રએ બીજા મિત્રના પેટમાં છરી ઘોપી દેતા એક યુવકનું મોત થતા મહેસાણા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મહેસાણાના બાયપાસ હાઈવે ઉપર ગત રાત્રે એક મિત્રએ જ બીજા મિત્રના પેટમાં છરી ભોંકી દઈને ઘાતકી હત્યા કરી નાખવાની ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટનાની હકીકત પર નજર કરીએ તો, મહેસાણાના રાજીવ બ્રિગેડનગરમાં રહેતો મનોજસિંહ ઉર્ફે મનુજી અજમલજી વાઘેલા બાયપાસ હાઈવે પરની રાજ ફ્રાય સેન્ટર પર જમવા ગયો હતો. દરમ્યાન કિરણજી વનરાજજી ઠાકોર અને સાથી મિત્ર હીરાજી વિહાજી વાઘેલા રાજ ફ્રાય સેન્ટર પર પહોચ્યા હતા.

જ્યાં પહોચતા જ મનોજસિંહના જમવાના પૈસા આપવા મુદ્દે ફરીયાદી કિરણજી અને મૃતક હીરાજી વચ્ચે માથાકૂટ થઇ હતી. અને આ માથાકૂટ જોત જોતામાં મારામારીમાં પરિણમતા મનોજસિંહ વાઘેલાએ હીરાજી વાઘેલાના પેટની ડાબી બાજુએ છરી મારતા હીરાજીનું મહેસાણામાં નવજીવન આઈ સી યુ માં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જે ઘટના બનતા મહેસાણા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોચીને આરોપી મનોજસિંહ ઉર્ફે મનુજી અજમલજી વાઘેલા ની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

આમ, માત્ર જમવાના પૈસા મુદ્દે થયેલી મિત્રો વચ્ચેની માથાકૂટ મારામારીમાં પરિણમતા એક મિત્ર એ બીજા મિત્રની છરી મારી હત્યા કરી નાખતા સનસનાટી પ્રસરી જવા પામી છે. જો કે, હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટનામાં બીજી હકીકતો પણ સામે આવે. જેની માટે મહેસાણા તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ તેજ કરી છે.

(4:51 pm IST)