Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

રાધનપુર એસ.ટી. ડેપોનો કર્મચારી ૩૬ હજારની લાંચ લેતા ઝડપાયો

પાટણ તા. ર૬: સાબરકાંઠા જિલ્લાના એક ડ્રાઇવર રાધનપુર એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા હતા, જેઓ ચારથી પાંચ મહિનાથી નોકરી ઉપર આવતા નહોતા. જેથી એસ.ટી. દ્વારા તેમને નોટિસ આપવામાં આવતા તેઓ રાધનપુર આવ્યા હતા, અને ફરજ ઉપર ફરીથી હાજર થવા માટે રજુઆત કરતા ડ્રાઇવર-કંડકટરની ફરજોનું સંચાલન કરતા વર્ગ-૪ના કર્મચારી જયસ્વાલ ધનવંતકુમાર અરવીંદભાઇએ ફરજ ઉપર હાજર કરવાના તેમની પાસેથી પચાસ હજાર રૂપિયા માંગ્યા હતા. જેથી ડ્રાઇવરે સાબરકાંઠા એ.સી.બી. વિભાગનો સંપર્ક કરતા એ.સી.બી.ના ઇન્ચાર્જ મદદનીશ નિયામક જી. બી. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ એ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર સી. ડી. વણજારા, પોલીસ ઇન્સ્પેકટર વી. એન. ચૌધરીએ તેમની ટીમ સાથે રવિવારે રાત્રે રાધનપુર એસ.ટી. ડેપોમાં ત્રાટકીને રૂ. ૩૬ હજારની લાંચ લેતા જયસ્વાલ ધનવંતકુમાર અરવીંદભાઇ અને જોષી મનોજકુમાર રામેશ્વરભાઇ (પ્રજાજન) રહે. મુડેઠા તા. ડીસા જી. બનાસકાંઠાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બિન સત્તાવાર જાણકારી મુજબ એ.સી.બી. દ્વારા અન્ય બે ઇસમોને પણ અટક કરીને લઇ જવામાં આવ્યા છે, જેઓ આ લાંચના પૈસા આપવામાં સંડોવાયેલા હોવાનું ચર્ચાય છે.

(3:56 pm IST)