Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અમદાવાદથી રાજકોટ ર કલાકમાં: હાઇસ્પીડ રેલ પ્રોજેકટ મંજૂર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની એઇમ્સ, એરપોર્ટ, બસ સ્ટેન્ડ, સીકસ લેન હાઇવે બાદ પોતાના હોમટાઉન રાજકોટને નવી ભેટઃ રૂ. ૧૧૩૦૦ કરોડનો પ્રોજેકટ : બંને શહેરો વચ્ચે ટ્રેનો ૧૬૦ કિ.મી.ની ઝડપે દોડશેઃ પ્રોજેકટ ઝડપથી શરૂ કરવા તથા કેટલાક સર્વે કરવાના આદેશો : હાઇસ્પીડ ટ્રેનથી સૌરાષ્ટ્રના પ્રવાસીઓને બુલેટ ટ્રેનની કનેકટીવીટી મળશે

અમદાવાદ, તા.૨૬: ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના હોમટાઉન રાજકોટને એઇમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અદ્યતન બસ સ્ટેન્ડ, ૬ લેન હાઇવે, સહિતની ભેટ આપ્યા બાદ રંગીલા રાજકોટને વધુ અેક પ્રજાલક્ષી પ્રોજેકટ ભેટમાં આપ્યો છે. રાજકોટ અને અમદાવાદ વચ્ચે રૂ.૧૧૩૦૦ કરોડના હાઇસ્પીડ રેલ્વે પ્રોજેકટને મુખ્યમંત્રીએ મંજુરી આપી છે જેનાથી સૌરાષ્ટ્ર-રાજકોટના મુસાફરોને બુલેટટ્રેનની કનેકટીવીટી મળી શકશે અને પ્રવાસી સવારે રાજકોટથી નીકળી એ જ દિવસે સાંજે મુંબઇથી પરત આવી શકશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટને વધુ એક મોટો પ્રોજેકટ ગિફટમાં આપ્યો છે. રાજય સરકારે અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેકટ માટે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેકટનો કુલ ખર્ચ અંદાજિત ૧૧,૩૦૦ કરોડ રૂપિયા થશે અને તેને કેન્દ્ર સરકારના અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેકટ સાથે જોડવામાં આવશે.

રાજય સરકારે અમદાવાદ અને રાજકોટ વચ્ચેના નેશનલ હાઈવે ૪૭ની બાજુમાં જ આ ટ્રેન કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂકયો છે જેથી જમીન સંપાદનમાં વધારે સમસ્યા ન આવે. આ રૂટ પર ટ્રેનો ૧૬૦ કિમીની ઝડપે દોડશે અને બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર ૨ કલાકમાં કાપશે.

આ વિશે વાત કરતા મુખ્યમંત્રીના સેક્રેટરી અશ્વિની કુમારે જણાવ્યું, પ્રોજેકટથી સૌરાષ્ટ્ર અને શહેરોની કનેકિટવિટી વધશે. અશ્વિની કુમાર આ સાથે ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ના પણ મેનેજિંગ ડિરેકટર છે. તેમણે કહ્યું, અમદાવાદ અને રાજકોટ શહેર વચ્ચે વર્ષે ૫૦ લાખ જેટલા પેસેન્જર્સ ટ્રાવેલ કરે છે. આથી બંને શહેરો વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર શકયતા છે.

અધિકારીએ જણાવ્યું કે રાજકોટ ગુજરાતનું સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાંનું એક છે અને તે જુનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા અને સોમનાથ સાથે જોડાયેલું હોવાના કારણે સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર પણ કહેવાય છે. અશ્વિની કુમારે કહ્યું, અમદાવાદ અને રાજકોટ વચ્ચે પેસેન્જર્સની સંખ્યા વર્ષે ૯ ટકાના દરે વધી રહી છે. ૨૦૦૭માં બંને શહેરો વચ્ચે દર વર્ષે ૧૯ લાખ લોકો મુસાફરી કરતા જે ૨૦૧૭માં વધીને પ્રતિવર્ષ ૪૫ લાખ થઈ ગયા. નવા સેમી હાઈસ્પીડ રૂટથી બંને શહેરો વચ્ચેનું અંતર ૩ કલાકથી પણ ઓછું થઈ જશે.

અધિકારીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ પ્રોજેકટને ઝડપથી શરૂ કરવા માટે તથા કેટલાક સર્વે કરવા માટે કહ્યું છે. સરકાર અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેકટ સાથે આ પ્રોજેકટનું કામ શરૂ કરવા ઈચ્છે છે. અંદાજ મુજબ આ પ્રોજેકટ માટે ૧૧,૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચાનો સામવેશ થાય છે. આ પ્રોજેકટથી આગામી ૩૦ વર્ષ સુધી ૨૩૦૦ ડાઈરેકટ અને ૭૩૦૦ ઈનડાયરેકટ નોકરીઓની તકો સર્જાશે.

આ પ્રોજેકટથી સૌરાષ્ટ્રને અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કનેકટીવીટી પણ મળશે.

(10:33 am IST)