Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ડીપીએસે CBSEની સાથે સરકારને પણ ગેરમાર્ગે દોરી

જમીન વિવાદમાં ઔડા-કલેક્ટરની ઝડપી તપાસ : શિક્ષણ ખાતાનું નકલી એનઓસી આપવા બદલ ડીપીએસ ઈસ્ટની માન્યતા રદ થશે : સીબીએસઇ ટીમ તપાસ કરશે

અમદાવાદ, તા.૨૫ : નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસ મામલે ડીપીએસ જમીનનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ડીપીએસ ઈસ્ટ જે દસ્તાવેજો આપ્યા છે અને જેના દ્વારા સ્કૂલની મંજૂરી લીધી છે. તે જમીન એક સીંગલ પ્લોટમાં છે એટલે કે તેમાં અલગ-અલગ સર્વ નંબરો કે અલગ-અલગ પ્લોટ નથી. સ્કૂલે રજૂ કરેલા ૧૬-૧૧-૨૦૧૦ના લેન્ડ સર્ટિફિકેટ મુજબ સ્કૂલ જમીનના એક સીંગલ પ્લોટમાં છે. જેથી જમીનનો થોડો ભાગ અન્ય સ્કૂલ, આશ્રમ કે સંસ્થાને આપી શકે છે. જમીનનો પ્લોટ ૨૫૩૭૪ સ્કેવર મીટરનો છે. જેના સંદર્ભે શિક્ષણ વિભાગે તપાસ કરીને સીબીએસઈને જે રિપોર્ટ મોકલ્યો છે તેમાં ૨૨૨૦૦ સ્કવેર ફીટ બિલ્ડઅપ એરિયા અને ઉપલબ્ધ જગ્યા નિત્યાનંદ આશ્રમને ભાડેથી અપાઈ છે. હવે ખરેખરમાં સ્કૂલનની જમીનનો વિસ્તાર કેટલો છે. સ્કૂલ કેટલા સ્કવેર મીટરમાં ફેલાઇ છે. અને કેટલુ બાંધકામ છે. તેમજ જમીન ખરેખર કોના નામે છે તેને લઈને ગોટાળા હોવાની શંકા છે.

                    જમીનનો સર્વે નંબર ખોટો હોવાથી જિલ્લા કલેક્ટરેના તપાસના આદેશ બાદ ઔડાના અધિકારીઓની ટીમ ડીપીએસ સ્કૂલ પહોંચી હતી. શાળા અને આશ્રમના સર્વે નંબરની જમીનની માપણી કરાશે. ૧૧-૦૯-૨૦૧૯માં કેલોરેક્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ ગુજરાત સેકન્ડરી-હાયર સેકન્ડરી સ્કૂલ બોર્ડ મારફતે એફિલિએશનની અરજી કરી હતી. વારંવાર સ્કૂલને અપૂરતા દસ્તાવેજો અંગે જાણ કર્યા છતાં સ્કૂલે કોઇ પ્રતિક્રિયા આપી હતી. દોઢ વર્ષ વીત્યા બાદ ફરી શિક્ષણ વિભાગે અપૂરતા દસ્તાવેજોની જાણ સ્કૂલને કરી હતી. ૨૦૧૨માં બોર્ડના માધ્યમથી સ્કૂલે નવેસરથી અરજી કરી હતી. શિક્ષણ વિભાગે તા. ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ સીબીએસઇ બોર્ડ સાથે જોડાણ માટે સ્કૂલે માંગેલી એનઓસી ફગાવી દીધી હતી. શિક્ષણ વિભાગે કારણ આપ્યું હતું કે બિન ખેતીની જમીનમાં શાળાની જમીન ફેરવી હોવાથી સીબીએસઇ સાથે જોડાણ મુદ્દે એનઓસી આપી શકાય નહીં. સ્કૂલે કરેલી નવી અરજી સાથે રજૂ કરેલા જમીનના દસ્તાવેજો પણ ખેતીલાયક કે બિન ખેતીલાયક છે તે અંગે ગેરમાર્ગે દોરતા હતા. અરજીમાં અરજદારના નામે જે જમીનના બ્લોક નહોતા તેવા બ્લોકની પણ માંગણી કરાઈ હતી.

                  હાલની સ્થિતિએ પણ સ્કૂલ ખેતીલાયક જમીન પર છે અને એકપણ બિલ્ડિંગમાં ફાયર, સ્ટ્રક્ચર સેફ્ટીની માન્યતા નથી. તા.૨૧--૨૦૧૧ના રોજ ડીપીએસ ઇસ્ટે ડીઇઓને આપેલી માહિતી પણ ખોટી હતી. ઉપરોક્ત તમામ મુદ્દાને આધારે સરકારે આજ સુધી સ્કૂલને સીબીએસઇ માટે એનઓસી આપી નથી. પ્રથમદર્શી રીતે કેસ ખોટી રજૂઆત અને છેતરપિંડીને પગલે ફોજદારી કેસ બનતો હોઇ હવે સમગ્ર વિવાદમાં આગામી દિવસોમાં ડીપીએસ સ્કૂલ સામે આકરી કાર્યવાહી થઇ શકે છે.

(10:04 pm IST)