Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ગુજરાતમાં સંશોધન-વિકાસ માટેની સિસ્ટમ વ્યાપક બની

વિશ્વકક્ષાના સંશોધન-વિકાસ કેન્દ્રનું લોકાર્પણ : રાજ્યમાં ઇકો સિસ્ટમ ખુબ અસરકારક : પ્રોડક્શન પછી પરમિશનનો અભિગમ રાજ્યમાં અપનાવાયો : મુખ્યમંત્રી વિજય રૂપાણી

અમદાવાદ,તા.૨૫ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરાના સાવલી નજીક લસુન્દ્રામાં જેડીએમ રિસર્ચના સંશોધન અને વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે રાજ્યમાં સંશોધન અને વિકાસની ઇકો સીસ્ટમ વ્યાપક બની છે. તેમણે કહ્યું કે, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ આપતાં ગુજરાતે લઘુ-મધ્યમ ઊદ્યોગો માટે પહેલા પ્રોડકશન પછી પરમિશનનો નવતર અભિગમ પણ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ ગુજરાતના સર્વગ્રાહી-સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની વિશ્વ ખ્યાતિની ભૂમિકા આપતાં કહ્યું કે, વિકાસની બાબતમાં ગુજરાતનો વિકલ્પ માત્ર ગુજરાત જ છે. જેડીએમ રીસર્ચના રૂપમાં ગુજરાતને વિશ્વકક્ષાનું સંશોધન અને વિકાસનું કેન્દ્ર મળતાં ગુજરાતના તાજમાં નવું પીંછું ઉમેરાયું છે અને અહિં ઉચ્ચકક્ષાનું સંશોધન ઉદ્યોગની સાથે ખેતીવાડીને પણ પ્રોત્સાહિત કરશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી. આ કેન્દ્ર રસાયણ દવાઓ, પાકની સુરક્ષા માટેના ઔષધો, સ્પેશ્યાલીટી કેમિકલ અને તબીબી ઉપકરણો ઇત્યાદિમાં નવા સંશોધન અને વિકાસની વિશ્વ કક્ષાની સુવિધાઓ ધરાવે છે.

           મુખ્યમંત્રીએ આનંદ વ્યકત કરતાં જણાવ્યું કે એશિયાના સૌથી મોટા સંશોધન અને વિકાસ કેન્દ્રોમાં આ સુવિધાનો સમાવેશ થાય છે અને તેના પગલે ગુજરાતનું નામ સંશોધન અને વિકાસના ચિત્રના નકશામાં ઉમેરાયું છે. ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટ છે એની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના સંકલ્પ સાથે ગુજરાતે રાઇટ ટાઇમ ફોર રાઈટ જોબની પરંપરા પ્રગતિ માટે અપનાવી છે. એટલે જ ગુજરાત વિશ્વ ભરના મૂડીરોકાણકારો માટે પ્રથમ પસંદગીનું રાજય બન્યું છે. મેઇક ઇન ઇન્ડીયાની પ્રધાનમંત્રીની વિભાવનાને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે અને દેશના આર્થિક વિકાસમાં ગુજરાત ઉલ્લેખનીય યોગદાન આપી રહયું છે. મોટા ઉદ્યોગોની સાથે ગુજરાત મધ્યમ, લઘુ અને શૂક્ષ્મ ઉદ્યોગોના વિકાસની પણ પૂરતી કાળજી લઇ રહયું છે એવી જાણકારી આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં એમએસએમઈના ૩૫ લાખથી વધુ એકમો છે અને રાજયના વિકાસમાં આ એકમો ઉલ્લેખનીય યોગદાન આપી રહયા છે. ગુજરાતે પહેલાં ઉત્પાદન અને પછી પરવાનગીની નીતિ અપનાવી છે.

               એની વિગતો આપતાં મુખ્યમંત્રી જણાવ્યું કે ગુજરાતમાં આવીને ઉત્પાદન શરૂ કરો અને ત્રણ વર્ષમાં જરૂરી આનુષાંગિક પરવાનગીઓ મેળવી લો એવી વ્યવસ્થા કરી છે. ઓન લાઇન રજીસ્ટ્રેશનની સુવિધા હેઠળ ગણતરીની મીનીટોમાં પરવાનગી મળે એવી સુવિધા આપવામાં આવે છે. ગુજરાતમાં આગામી વર્ષે વિશ્વનો પ્રથમ સીએનજી ટર્મિનલ ભાવનગર બંદરે કાર્યરત થઇ જશે તેની ભૂમિકા તેમણે આપી હતી. વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતના વિકાસના સિમાચિન્હોની છણાવટ કરતાં જણાવ્યું કે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન ૪૩ ટકા છે. સર્વિસ સેકટરમાં ૪૨ ટકા છે. સહુના સહયોગથી પારદર્શકતા, નિર્ણાયકતા અને ગતિશીલતા સાથે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે. મુખ્યમંત્રીએ જેડીએમ રીસર્ચના સ્થાપક વિજય મુન્દ્રાને ગુજરાતમાં આ કેન્દ્ર સ્થાપવા માટે અભિનંદન આપવાની સાથે એકમના વિકાસમાં રાજય સરકારના   પ્રોત્સાહનનો સંકેત આપ્યો હતો.

(9:03 am IST)