Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

બુલેટ ટ્રેન માટે વડોદરાથી વાપી વચ્ચે ૨૩૦ કિમી લાંબો બ્રિજ બનશે

બુલેટ ટ્રેન જમીનથી ૧૦ થી ૧૫ મીટર ઉપર બનાવેલા એલિવેટેડ હાઇસ્પીડ ટ્રેક પર ચાલશે

અમદાવાદ-મુંબઈ વચ્ચે શરુ થનારી બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવા અંગેની મુશ્કેલીઓ હળવી થતા હવે દેશના આ પહેલા પ્રોજેકટના ટેન્ડર બહાર પડી રહ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામકાજ સંભાળી રહેલી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ નવસારી જિલ્લાના સિસોદરા ગામે બ્રિજ બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યું છે.

સુરતથી બિલિમોરા વચ્ચેના રુટમાં આ બ્રિજ આવશે. પહેલી બુલેટ ટ્રેનને આઝાદીના ૭૫ વર્ષ પૂર થાય ત્યારે એટલે કે, ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધી દોડાવવાનો સરકારનો પ્લાન છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન બંને શહેરો વચ્ચેનું ૫૦૮ કિમીનું અંતર કવર કરશે, અને તેની મૂળ ડેડલાઈન ૨૦૨૩ની છે, પરંતુ સરકાર તે પહેલા જ તેનું કામકાજ પૂરું કરી દેવા માગે છે.

NHSRCLના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરત અને બિલિમોરા વચ્ચેના ૫૦ કિલોમીટરમાં સૌ પહેલા કામકાજ શરૂ કરાશે. અહીં ૫૦ કિમી સુધી ટ્રેક બિલકુલ સીધો હશે. ટેકનિકલી જોઈએ તો અન્ય પોઈન્ટ્સ પર કામ કરવાને બદલે અહીંથી શરુઆત કરવી ઘણી સરળ રહેશે.

આ ૫૦ કિલોમીટરના અંતરને બુલેટ ટ્રેન માત્ર ૧૫ મિનિટમાં જ કવર કરી લેશે. સિસોદરા ગામે બનનારો બ્રિજ નેશનલ હાઈવે નં. ૪૮ પર બનાવવામાં આવશે. હાલ અહીં જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. બુલેટ ટ્રેનના હાઈ-સ્પીડ કોરિડોરમાં ૬૦ બ્રિજ બનવાના છે, જેમાંનો આ એક હશે.

બુલેટ ટ્રેનના અન્ય મહત્વના કામ માટે પણ ટેન્ડરો આખરી તબક્કામાં છે. જેમાં વાપીથી વડોદરા સુધીનો ૨૩૦ કિમી લાંબો વાયાડકટ પણ સમાવિષ્ટ છે. આ સમગ્ર ટ્રેક પર બુલેટ ટ્રેન જમીનથી ૧૦ થી ૧૫ મીટર ઉપર બનાવેલા એલિવેટેડ હાઈસ્પીડ ટ્રેક પર ચાલશે.(૨૧.૨૭)

(3:34 pm IST)